કેરળમાં બોલીવૂડની ચર્ચાસ્પદ અભિનેત્રી સની લીઓનીની છેતરપિંડીના કેસમાં પોલીસે લાંબી પૂછપરછ કરી હોવાનું સૂત્રો જણાવે છે. સની લીઓની વેકેશન ગાળવા માટે કેરળ ગઇ હતી પરંતુ ત્યાં તેની વિરુદ્ધ રૂ. 29 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે. મીડિયા રીપોર્ટ મુજબ શ્રેયસ નામના વ્યક્તિનો આક્ષેપ છે કે, સની લીઓનીએ રૂ. 29 લાખ બે કાર્યક્રમમાં હાજરી આપવા માટે લીધા હતા અને પછી તેણે તેમાં હાજર રહેવાનો ઇન્કાર કર્યો હતો. આ અંગે સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચે સની લીઓનીને શુ્ક્રવારે પૂછપરછ માટે બોલાવી હતી. રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે સનીએ પૂછપરછમાં જણાવ્યું હતુ કે, કોરોનાના ભયના કારણે તેણે બે કાર્યક્રમમાં ભાગ લીધો નહોતો. આયોજકોએ પાંચ વાર કાર્યક્રમ રદ્ કર્યા હતા અને પછી તેનું આયોજન થઇ શક્યું નહોતું. આ દરમિયાન પોલીસને સનીએ જણાવ્યું હતું કે, જો આયોજકો કાર્યક્રમ કરવા ઇચ્છતા હોય તો તે તેમાં ભાગ લેવા માટે તૈયાર છે. જોકે અંતે પૂછપરછ પછી પોલીસે સની લીઓનીને જવા દીધી હતી.