નવી દિલ્હીમાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામ (PTI Photo/Manvender Vashist)

અર્થતંત્રમાં માગને પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને સોમવારે સંખ્યાબંધ પગલાંની જાહેરાત કરી હતી. નાણાપ્રધાને તમામ કેન્દ્રીય કર્મચારીઓને 10,000 રૂપિયાના વ્યાજમુક્ત ફેસ્ટિવલ એડવાન્સ, એલટીસીના બદલામાં કેશ વાઉચર તથા રાજ્યોને 12,000 કરોડની વ્યાજમુક્ત લોન આપવાની જાહેરાત કરી હતી. નાણાપ્રધાને 25,000 કરોડના વધારાના મૂડીખર્ચની પણ જાહેરાત કરી હતી. આ ખર્ચ બજેટના 4.13 લાખ કરોડના ખર્ચ ઉપરાંતનો હશે.

નાણાપ્રધાને એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તમામ કર્મચારીને પ્રિપેઇડ રૂપી કાર્ડમાં આ ફેસ્ટિવલ એડવાન્સ મળશે, જેનો 31 માર્ચ 2021 સુધી ખર્ચ કરવાનો રહેશે. તેનાથી સરકારને કુલ 4,000 કરોડ રૂપિયોનો ખર્ચ થવાનો અંદાજ છે. આ વર્ષે એલટીસીના બદલામાં આપવામાં આવનારા કેશ વાઉચરનો ઉપયોગ એવી એવી કોઇપણ આઇટમની ખરીદી માટે થઈ શકશે કે જેના પર 12 ટકા કે તેનાથી વધુ જીએસટી લાગુ પડતો હોય. આવા વાઉચર માટે સરકારને 5,675 કરોડનો ખર્ચ થશે. પીએસયુ અને સરકારી બેન્કોના કર્મચારીઓને કેશ વાઉચર માટે 1,900 કરોડ રૂપિયોનો ખર્ચ થશે.

નાણાપ્રધાને અર્થતંત્રને વેગ આપવા કેપિટલ પ્રોજેક્ટ્સ માટે રાજ્યોને 12,000 કરોડની વ્યાજમુક્ત લોન આપવાની પણ જાહેરાત કરી હતી. આમાંથી 1,600 કરોડ ઉત્તરપૂર્વીય રાજ્યોને તથા 900 કરોડ ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશને આપવામાં આવશે. બાકીના 7,500 કરોડ બાકીના રાજ્યોને મળશે. નાણાપ્રધાને 25,000 કરોડના વધારાના મૂડીખર્ચની પણ જાહેરાત કરી હતી. આ ખર્ચ બજેટના 4.13 લાખ કરોડના ખર્ચ ઉપરાંતનો હશે.