ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા તમિલ ફિલ્મ એક્ટ્રેસ ખુશ્મુ સુંદરને મીઠાઈ ઓફર કરી રહ્યા છે. ખુશ્બુ સુંદર નવી દિલ્હીમાં પક્ષના હેડક્વાર્ટર ખાતે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ હતી. (PTI Photo/Kamal Singh)

તમિલ ફિલ્મ સ્ટાર ખૂશ્બુ સુંદર કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને સોમવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ હતી. દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટમાં તેમણે ભાજપનું સભ્યપદ મેળવ્યું હતું. એક દાયકાની રાજકીય સફરમાં ખૂશ્બુ સુંદરે ત્રીજીવાર પક્ષ બદલ્યો છે.

દક્ષિણ ભારતના રાજ્યોમાં ખૂશ્બુ સુંદરની ઓળખ એક જાણીતી અભિનેત્રી અને પ્રોડ્યુસર તરીકે થાય છે. તેણે 200થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તે ટીવી પ્રેજન્ટર તરીકે પણ કામ કરી ચુકી છે. અભિનય ક્ષેત્રે તમામ મુકામ હાંસલ કરી લીધા બાદ 2010માં ખૂશ્બુ સુંદરે રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. ખુશબુ સુંદરે સૌથી પહેલા ડીએમકે જોડાઇ હતી. તે પછી કોંગ્રેસમાં સામેલ થઇ ગઇ હતી. તામિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી ટૂંકસમયમાં આવી રહી છે ત્યારે ખુશબુ સુંદરે પાટલી બદલી નાખી છે.

તામિલનાડુમાં મે 2021માં ચૂંટણી યોજાવાની છે. જયલલિતાના નિધન બાદ એઆઇડીએમકે બે ભાગમાં વહેચાઇ ગઇ છે. જ્યારે બીજી તરફ ડીએમકે અને કોંગ્રેસ છે. ભાજપ અહીં કોઇ પણ ભાગે પોતાની પકડ મજબૂત કરવા માગે છે. ખુશ્બુ સુંદર ભાજપના આ પ્રયાસને આગળ વધારવામાં મહત્વની સાબિત થઇ શકે છે કારણ કે તે એક જાણીતો ચહેરો છે અને તામિલનાડુની રાજનીતિમાં ચહેરાની હંમેશા બોલબાલા રહી છે.