(ANI Photo)
ભારતમાં ઘણા વર્ષોથી ફિલ્મો અને ટીવી સાથે સંકળાયેલા લોકો રાજકારણમાં નસીબ અજમાવતા જોવા મળ્યા છે. રાજકારણમાં પ્રવેશેલા અનેક કલાકારો આ ક્ષેત્રમાં સફળ થયા છે. દક્ષિણનાં ફિલ્મ અભિનેત્રી જયલલિતા તામિલનાડુનાં મુખ્ય પ્રધાન બન્યા હતા, જ્યારે સ્મૃતિ ઈરાની અને હેમા માલિની જેવી સફળ અભિનેત્રીઓ અનેકવાર સાંસદ પદે ચૂંટાઇ છે. ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાંથી રાજકારણમાં ઝંપલાવનારી સેલિબ્રિટીઝમાં અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, રાજેશ ખન્ના, સુનિલ દત્તથી લઇને સની દેઓલ અને પરેશ રાવલ સુધી અનેક લોકોનો સમાવેશ થાય છે. વર્તમાન લોકસભા ચૂંટણીમાં ઉત્તર ભારત, દક્ષિણ ભારત, પશ્ચિમ બંગાળ સહિત કેટલાક રાજ્યોમાં ઉમેદવાર તરીકે સેલિબ્રિટીઝને મેદાને ઉતારવામાં આવ્યા છે. કેટલીક સેલિબ્રિટીઝને રાજકારણમાં ઝંપલાવ્યા પછી બંને મોરચા સંભાળવાનું અઘરું પણ લાગ્યું છે અને બીજીવાર ચૂંટણીમાં ઊભા રહેવાનું તેમણે ટાળ્યું છે.
કંગના રણોત
કંગના રણોત મૂળ હિમાચલ પ્રદેશની છે અને તે પોતાના રાજ્ય પ્રત્યેનો પ્રેમ વારંવાર જાહેર કરી ચૂકી છે. બોલીવૂડમાં નીપોટિઝમ અંગે જાહેરમાં બોલનારી કંગનાના રાજકીય નિવેદનો પણ વિવાદાસ્પદ રહ્યા છે. ચૂંટણી જાહેર થતાં પહેલા કંગનાએ લોકસભા ઉમેદવાર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ભારતીય જનતા પાર્ટીએ કંગનાને હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી લોકસભાની ઉમેદવાર જાહેર કરી છે. ગ્લેમર વર્લ્ડમાં બળવાખોર છબિ ધરાવતી કંગનાએ શિસ્તબદ્ધ મનાતા ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે. કંગનાના સમર્થકોની સાથે વિરોધ કરનારા પણ મોટી સંખ્યામાં છે.
રવિ કિશન
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અને ફાયર બ્રાન્ડ નેતા તરીકે ઓળખાતા યોગી આદિત્યનાથ ગોરખપુર વિસ્તારમાં સારી પકડ ધરાવે છે. ગોરખપુરમાં મઠના સંચાલન સાથે તેઓ રાજ્યનું સુકાન પણ સંભાળી રહ્યા છે. યોગીના ગઢ પરથી ભાજપે 2019માં રવિ કિશનને ટિકિટ આપી હતી. રવિ કિશન 2024માં પણ ગોરખપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે. ભોજપુરી સિનેમાની સાથે હિન્દી અને સાઉથની ફિલ્મોમાં પણ રવિ કિશન જાણીતા છે.
રામ-અરુણ ગોવિલ
રામાયણના આધારે ફિલ્મ અને ટીવી સિરિયલ બનાવવાના પ્રયાસ અનેક વખત થયા છે. તેમાં દૂરદર્શન પર પ્રસારિત થયેલી રામાનંદ સાગરની સિરિયલ રામાયણ સૌથી વધારે લોકપ્રિય સાબિત થઈ હતી. આ ટીવી સિરિયલમાં ભગવાન શ્રી રામનો રોલ કરનારા અરુણ ગોવિલને ઓળખનારા દરેક ઘરમાં છે. રીલ લાઈફની પોતાની આ ઈમેજને રીયલ લાઈફમાં જાળવી રાખવા માટે આજીવન પ્રયાસ કરનારા અરુણ ગોવિલ લાંબા સમય પછી અયોધ્યામાં રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન જોવા મળ્યા હતા. ભાજપે તેમને ઉત્તર પ્રદેશના મેરઠથી લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, રામાયણ સીરિયલમાં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયા પણ ભાજપના સાંસદ રહી ચૂક્યા છે. તેઓ 1990ના દસકામાં વડોદરા લોકસભા બેઠક પરથી ચૂંટાયા હતા.
પવન કલ્યાણ-રામગોપાલ વર્મા વચ્ચે જંગ
આંધ્ર પ્રદેશના રાજકારણમાં ફિલ્મ સ્ટાર્સનો દબદબો જોઈ પવન કલ્યાણે નવો રાજકીય પક્ષ બનાવ્યો છે.  પવન કલ્યાણના રાજકીય પક્ષ જનસેના પાર્ટીએ ભાજપ અને તેલુગુ દેશમ સાથે રાજકીય ગઠબંધન કર્યું છે. આ ગઠબંધને ટોલિવૂડ સ્ટાર પવન કલ્યાણને પીઠાપુરમ બેઠક પરથી ઊભા રાખવાનો નિર્ણય જાહેર કર્યાના થોડાક જ સમયમાં જ રામ ગોપાલ વર્માએ તેની સામે મોરચો ખોલી દીધો હતો. રામગોપાલ વર્માને ભાજપ અને તેલુગુ દેશમ પાર્ટીની વિચારાધારા સાથે ખાસ મેળ પડતો નથી. જોકે, તેમનો આ નિર્ણય રાજકીય વિચારધારા કરતાં વધારે અંગત કારણો સાથે સંકળાયેલો હોવાનું મનાય છે. સૂત્રો કહે છે કે, ગત વર્ષે રામગોપાલ વર્માની ફિલ્મ વ્યૂહમ રિલીઝ થઈ હતી. આંધ્રપ્રદેશના રાજકારણ આધારિત આ ફિલ્મના કારણે વિવાદ સર્જાયો હતો અને ઘણાં સ્થાનિક નેતાઓએ રામગોપાલ વર્માને રાજ્યમાંથી કાઢી મુકવાની માગણી કરી હતી. આ ફિલ્મ આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. વાયએસ રાજશેખર રેડ્ડીના નિધનના સંજોગો આધારિત હતી. આ ફિલ્મના વિરોધમાં હૈદરાબાદ ખાતે રામગોપાલ વર્માની ઓફિસ બહાર દેખાવો થયા હતા અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. રામગોપાલે આ વિવાદ માટે ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુ, ટીડીપીના નેતા નારા લોકેશ અને અભિનેતા-રાજનેતા પવન કલ્યાણને જવાબદાર ઠેરવ્યા હતા અને જાહેરમાં તેમની ઝાટકણી કાઢી હતી. ફિલ્મના વિરોધ સાથે શરૂ થયેલો આ વિવાદ હવે રાજકીય રંગ ધારણ કરી રહ્યો છે. દક્ષિણની ફિલ્મોના સ્ટાર ચિરંજિવીએ પણ સક્રીય રાજનીતિ કરી હતી અને તેઓ કેન્દ્ર સરકારમાં પ્રધાન પણ હતા.
હેમા માલિની
​​​​​​​હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડ્રીમ ગર્લ તરીકે ઓળખાતાં હેમા માલિનીની રાજકીય કરિયર 15 વર્ષની છે. તેઓ બે વખત મથુરાના સાંસદ રહી ચૂક્યા છે. હવે ભાજપે ત્રીજી વખત પણ તેમને મથુરા લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે. 2004ના વર્ષમાં ભાજપમાં જોડાયેલા હેમા માલિની મૂળ તો દક્ષિણ ભારતના છે, પરંતુ મથુરાના સાંસદ બન્યા પછી તેઓ મથુરામાં ઘણો સમય વીતાવે છે. મતદારો સાથે સંપર્ક જાળવી રાખવાની આવડતના કારણે રાજકારણમાં પણ સક્રિય છે.
પશ્ચિમ બંગાળમાં સાયોની ઘોષ
બંગાળી ફિલ્મો અને ટેલિવિઝન સિરિયલની જાણીતી એક્ટ્રેસ સાયોની ઘોષ 2021ના વર્ષમાં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ હતી. વર્ષ 2021નીમ સાયોનીને તૃણમૂલ કોંગ્રેસની યુવા પાંખની અધ્યક્ષ બનાવાઈ હતી. પશ્ચિમ બંગાળની જાદવપુર બેઠક પરથી સાયોનીએ ઉમેદવારી નોંધાવી છે.
શત્રુઘ્ન સિંહા તૃણમૂલ કોંગ્રેસમાં  
શત્રુઘ્ન સિંહા ત્રણ દસકા સુધી રાજકીય રીતે ભાજપ સાથે સંકળાયેલા હતા. લાલકૃષ્ણ અડવાણીએ છોડેલી દિલ્હીની બેઠક પરથી શત્રુઘ્નએ 1992માં ઉમેદવારી કરી હતી. તેમનો સીધો મુકાબલો સુપર સ્ટાર રાજેશ ખન્ના સાથે હતો અને તેઓ 27 હજાર મતથી હાર્યા હતા. 1996માં ભાજપે શત્રુઘ્નને રાજ્યસભાના સભ્ય બનાવ્યા હતા. અટલ બિહારી વાજપેયીની સરકારમાં તેઓ આરોગ્ય પ્રધાન પણ રહ્યા હતા. 2009 અને 2014માં પટના સાહિબ બેઠક પરથી લોકસભા ચૂંટણી જીત્યા હતા. બાદમાં પક્ષ સાથે મતભેદ થતાં તેમણે પોતાનો માર્ગ બદલ્યો હતો અને કોંગ્રેસમાં જોડાયા હતા. પછી તેઓ 2022માં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીના પક્ષે તેમને આસનસોલ લોકસભા બેઠક પરથી પેટાચૂંટણી લડાવી હતી અને તેમનો વિજય થયો હતો. ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા શત્રુઘ્ન સિંહાને 2024ની લોકસભા ચૂંટણીમાં પણ તૃણમૂલ કોંગ્રેસે આસનસોલ બેઠકના ઉમેદવાર બનાવ્યા છે.
મનોજ તિવારી
ભોજપુરી ગાયક-અભિનેતા મનોજ તિવારીએ 2009ના વર્ષમાં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ સમાજવાદી પક્ષની ટિકિટ પરથી ગોરખપુરની ચૂંટણી લડ્યા હતા. ભાજપના ઉમેદવાર યોગી આદિત્યનાથે તેમને સજ્જડ હાર આપી હતી. 2014માં તેઓ ભાજપમાં જોડાયા હતા અને ઉત્તર પૂર્વ દિલ્હી લોકસભાની ચૂંટણી જીત્યા હતા. 2019માં મનોજ તિવારીએ દિલ્હીનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસનાં નેતા શીલા દીક્ષિતને હરાવી આ બેઠક પરથી બીજી વાર વિજય મેળવ્યો હતો. ભાજપે મનોજ તિવારીને ત્રીજી વખત આ જ બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ દિલ્હીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ પણ હતા.

LEAVE A REPLY

20 + six =