‘ગોતી લો’ ફિલ્મમાં માત્ર મનોરંજન નહિ, પણ એક સામાજિક સંદેશ પણ છે. આ ફિલ્મમાં જાણીતા કલાકારો મકરંદ અન્નપૂર્ણા, માનવ રાવ, મનોજ જોશી, દિપેન રાવલ, રવિ ઓમપ્રકાશ રાવ, શ્વેતા રાવલ અને જ્હાનવી પટેલ મુખ્ય ભૂમિકામાં છે. ખાસ કરીને મનોજ જોશીનું પાત્ર “દાદા” તરીકે ખૂબ પ્રભાવશાળી છે. આ ફિલ્મનું દિગ્દર્શન દીપક અંતાણી દ્વારા કરવામાં આવ્યું છે.
આ ફિલ્મ પારિવારિક ભાવનાઓ અને બાળપણની રમતોને જીવંત બનાવે છે. આ ફિલ્મના નિર્માતા ગૌરાંગ ભાવસાર છે. આ ફિલ્મની પટકથા અને સંવાદ લેખન અશોક ઉપાધ્યાયે કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં એક એવી વાર્તા છે, જ્યાં શહેરની દોડધામમાંથી બહાર આવીને ગામડા તરફ જતી એક પરિવારની સફર છે.
‘ગોતી લો’ ફિલ્મનો વિષય અત્યંત રસપ્રદ છે. તેમાં ત્રણ પેઢી વચ્ચેની વાત છે. પરિવારના બાળકો જ્યારે ટેક્નોલોજી અને મોબાઇલમાં ખોવાય ગયેલા છે ત્યારે તેઓ તેમના મૂળ ગામમાં પાછા ફરે છે ત્યારે પરંપરાગત રમતો ગિલ્લી-દંડા, ભમરડો, અને ગોટી જેવી જૂની રમતો સાથે જોડાયેલા સંસ્કારોથી ફરીથી તેમનો પરિચય થાય છે. આ ફિલ્મ એવો સંદેશ આપે છે કે ટેક્નોલોજી મહત્વપૂર્ણ છે, પરંતુ જીવનમાં અસલી આનંદ કુદરતી રમતો અને સંબંધોમાં છુપાયેલો છે. સાચું જીવન મોબાઈલથી નહીં પણ સાથે વિતાવેલા સમયથી બને છે. ફિલ્મના સંગીતનું નિર્માણ સમીર-માના દ્વારા આપવામાં આવ્યું છે. ફિલ્મનું એક ગીત ‘હું ને ચંદુ છાના માના..’ પહેલેથી જ લોકપ્રિય બન્યું છે.
આ ફિલ્મમાં પરંપરાગત રમતોના માધ્યમથી આધુનિક ટેક્નોલોજી અને વર્ચ્યુઅલ દુનિયાની આકર્ષણ સામેના સંઘર્ષને દર્શાવવામાં આવ્યો છે. ગોતી લો ફિલ્મ જોયા પછી તમને બાળપણની યાદ જરૂર આવી જશે. બાળપણ ફરીથી જીવંત થતું હોય એમ લાગશે.
