આ ફિલ્મનું નામ, ફિલ્મનાં પાત્રો અને વાર્તાઓ બધું જ નાનખટાઈ જેવું છે એટલે કે જે રીતે નાનખટાઈ બનાવતી વખતે તેની પ્રકૃતિ જળવાય તેનું ધ્યાન રાખવું પડે એટલા ધ્યાનથી આ ફિલ્મનું નિર્માણ થયું છે. આ ફિલ્મના લેખક-દિગ્દર્શક પ્રીતસિંહ ગોહિલ છે, જ્યારે અન્ય કલાકારોમાં મિત્ર ગઢવી, મયુર ચૌહાણ, દીક્ષા જોશી, ઈશા કંસારા, તત્સત મુન્શી, તર્જની ભાડલા, અલ્પના બુચ, કલ્પના ગાગડેકર છારા, દીપ વૈદ્ય, અર્ચન ત્રિવેદી, ચેતન દૈયા, પૂર્વાઈ પટેલ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે સંગીત સિદ્ધાર્થ અમિત ભાવસાર અને ગીતકાર નિરેન ભટ્ટ છે.
ગુજરાતી ફિલ્મોમાં પ્રથમવાર આ પ્રકારની ફિલ્મ બની છે, જેમાં એક કરતા વધુ વાર્તાઓને વણી લેવામાં આવી છે. આ ફિલ્મની સ્ટોરી મુજબ રઘુવીરસિંહ દરબાર અને તેની પત્ની સીતા ગામડેથી શહેરમાં આવીને પોતાનું ઘરનું ઘર થાય તેનાં સપનાં જુએ છે. ભાડાંના ઘરમાં ઘણીવાર સામાન ખોખામાંથી બહાર નથી આવતો, તો ક્યાંક ઘર સરળતાથી મળે છે તો ભૂતનો ભય આ દરબારને ડરાવે છે. મિત્ર ગઢવી અને દીક્ષા જોશીએ આ યુગલના પાત્રો ભજવ્યાં છે. દર રવિવારે મોટાં ઘરો જોવા જવા, ત્યાં ક્યારેક પોતે રહેશે તો શું કરશે તેની કલ્પનામાં તેઓ જિંદગી જીવે છે.
બીજી વાર્તા છે મૈથીલી અને રામની જેમનું સગપણ નક્કી તો થાય છે પણ વાત આગળ નથી વધતી. કારણકે છોકરીના પિતાને પુરુષોમાં રસ હોવાની વાત છોકરાનાં ઘરવાળા સુધી પહોંચી જાય છે અને સંબંધ તુટી જાય છે. મૈથીલી એટલે ઇશા કંસારા અને રામ એટલે તત્સત મુન્શીનું સગપણ પણ તૂટી જાય છે. જોકે રામને મૈથીલી પસંદ છે. ત્રીજી કથા છે હિતેનકુમાર અને કલ્પના ગાગડેકર છારાના પરિવારની, જેમાં દીકરાનું પાત્ર મયુર ચૌહાણ-માઇકલે ભજવ્યું છે. મા છે ત્યાં સુધી બાપ-દીકરા વચ્ચેનું અંતર ઇસ્ત્રી કરેલી કડક વર્દી જેવું છે પણ અચાનક જ માનું અવસાન થાય છે અને પિતા-પુત્રનું એકબીજા પ્રત્યેનું વલણ બદલાય છે. ઇમાનદાર કોન્સ્ટેબલ મહાદેવ બારોટનો દીકરો સૂર્યા મેડિકલ રીપ્રેઝન્ટેટિવ છે અને તે જેને પ્રેમ કરે છે તે ગૌરી સાથે સંસાર શરૂ કરવા ઇચ્છે છે. મયુર ચૌહાણ અને તર્જની ભાડલાની પ્રેમ કહાની પિતા-પુત્રના બદલાતા સમીકરણો સાથે આગળ વધે છે. હવે આગળની સ્ટોરી જાણવા આ ફિલ્મ જોવી રહી.
આ ફિલ્મમાં પોતાની ભૂમિકા અંગે મિત્ર ગઢવીએ જણાવ્યું હતું કે, ‘કાઠિયાવાડના નાના ગામડેથી આવતો રઘુવીર સિંહનો રોલ કરું છું. તે પોતાની પત્ની સીતાબાને લઈને મોટા શહેરમાં સારા ભવિષ્ય માટે આવે છે. આ સાથે જ તેમનું પોતાનું ઘર લેવાનું એક સપનું છે. આ સપનું સીતાબાનું વધારે છે. તે બાલ્કનીવાળું ઘર ઈચ્છે છે. ગામડેથી આવીને ઘરના ઘરની સફરની વાત કરે છે.’
વધુમાં મિત્રે કહ્યું કે, ‘અમે ફેબ્રુઆરી-માર્ચમાં શૂટિંગ કર્યું ને ગરમી શરૂ થઈ ગઈ હતી. ફિલ્મમાં શિયાળો છે. આખી ફિલ્મમાં અમે બધાએ સ્વેટર ફર્યા છે. ફૂલ તડકામાં હું સ્વેટર પહેરીને બાઇક ચલાવું છું.’ જ્યારે તત્સતે કહ્યું હતું કે, ‘ફિલ્મમાં મેં રામનો રોલ પ્લે કર્યો છે અને તે કેમિસ્ટ્રી પ્રોફેસર છે. રામનું રૂટિન એકદમ ફિક્સ છે. તે એકદમ પ્લાનિંગથી જીવે છે. તે પેરેન્ટ્સને પૂછ્યા વગર કંઈ જ કરતો નથી. પછી તેની લાઇફમાં એક મૈથીલી આવે છે અને પછી તેના જીવનમાં શું થાય છે તે રામની સ્ટોરી છે.’
