શાહરુખ ખાન, રાણી મુખર્જી અને વિક્રાંત મેસી જેવા ફિલ્મી કલાકારોને તાજેતરમાં નેશનલ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે આ અંગે ટીવી સીરિયલ્સની જાણીતી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ એવો પ્રશ્ન કર્યો છે કે, આવું ઉચ્ચ સન્માન ટીવીના કલાકારોને કેમ આપવામાં નથી આવતું ? જો નેશનલ એવોર્ડ ફિલ્મ સ્ટાર્સથી લઈને કોન્ટેન્ટ ક્રીએટર્સ સુધી, બધાને મળતાં હોય તો ટીવી કલાકારોને તેમાં સામેલ કરવામાં કેમ નથી આવતાં?
કોરોનાકાળ દરમિયાન બધાને પોતાના પ્રોજેક્ટ પાછળ ઠેલવાની તક મળી હતી. પરંતુ ટીવીના કલાકારો તે વખતે પણ કામ કરી રહ્યાં હતાં. જો ફિલ્મોમાં કામ કરતાં કલાકારો થોડું વધુ કામ કરે તો અખબારો, સામયિકો તેમ જ અન્ય મીડિયામાં તેમની પ્રશંસા થાય છે, જ્યારે ટીવી શોઝમાં કામ કરતાં કલાકારો લાંબા સમય સુધી સતત કામ કરતાં હોય છે. હું સરકારને વિનંતી કરું છું કે અમારા કામની પણ નોંધ લેવામાં આવે. ૪૮ વર્ષીય રૂપાલી માને છે કે ટીવી પર કામ કરીને અભિનેત્રી સ્મૃતિ ઈરાનીએ પછીથી રાજકીય ક્ષેત્રે પણ ઝંપલાવ્યું છે અને હવે વર્ષો પછી ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’માં ફરીથી જોડાઇને તે આ બાબતે ચોક્કસપણે કંઈક કરી શકશે.
