બોલીવૂડની ફિલ્મોની તુલનામાં સાઉથ ઇન્ડિયાની ફિલ્મો ઘણી આગળ નીકળી ગઈ છે. આજે સાઉથ ઇન્ડિયાની ફિલ્મો ઇન્ડિયન બોક્સ ઓફિસ પર સતત સફળતા હાંસલ કરી રહી છે. મૂળ સાઉથ ઇન્ડિયાના ફિલ્મકાર ઋષભ શેટ્ટીની ફિલ્મ ‘કાંતારા ચેપ્ટર 1’ તાજેતરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ સાત ભાષાઓમાં રીલીઝ થઇ છે. આ ફિલ્મની સ્ટોરી કર્ણાટકના કાલ્પનિક ગામ કાંતારા અને તેની આસપાસના જંગલોની છે. ગ્રામજનો માને છે કે તેઓ ભગવાનની શક્તિઓ દ્વારા સુરક્ષિત છે, પરંતુ આ શાંતિને એક રાજા અને તેના પુત્ર કુલશેખર દ્વારા પડકારવામાં આવે છે, જેઓ ગામ અને જંગલની જમીનની લાલચ રાખે છે. કુલશેખર કાંતારાના લોકો પર જુલમ કરે છે. તે દરમિયાન, આદિવાસી નેતા બાર્મે, પોતાની હિંમત અને રણનીતિનો ઉપયોગ કરીને, કુલશેખરની યોજનાઓને નિષ્ફળ બનાવે છે અને ગુલિકા વિધિથી તેમની હત્યા કરે છે.
વાર્તાનો અહીં આવતો નથી. અહીંથી શરૂ થાય છે છેતરપિંડી અને રણનીતિનો નવો ખેલ. વધુમાં, કનકવતી (રુક્મિણી વસંત)નો આશ્ચર્યજનક પ્રવેશ થાય છે અને વન દેવતા પંજુર્લીની શક્તિની કહાનીથી ફિલ્મ રસપ્રદ બને છે. આ “કાંતારા ચેપ્ટર 1” ફક્ત એક ફિલ્મ નથી, તે એક અનોખો અનુભવ છે. તે લોકકથાઓ, શ્રદ્ધા અને જંગલના રહસ્યોને અદભુત સીન અને શક્તિશાળી પ્રદર્શન સાથે મિશ્રિત કરે છે. એકંદરે, ફિલ્મ આનંદપ્રદ અને રોમાંચક છે.
આ ફિલ્મ એ જ યાદ અપાવે છે કે, ગ્રામીણ ક્ષેત્રોમાં શ્રદ્ધા કોઈ શાસ્ત્રીય પુસ્તકથી નહીં પણ લોકોના અનુભવથી જન્મ લે છે. લોકોના મનમાં પ્રવાહિત કથા, જે શહેરી દર્શકો માટે અલગ એ જ ગ્રામ્ય સમાજ માટે જીવનનું સત્ય છે. આ જ સેતુ છે જે ઋષભ શેટ્ટીએ સમાજ અને સિનેમા વચ્ચે ઊભો કર્યો છે. તર્કનું કામ જ્યાં પૂર્ણ થાય છે ત્યાંથી જ આસ્થાનો માર્ગ શરૂ થાય છે. કાંતારા ચેપ્ટર 1 દર્શકોને આ જ સીમારેખા પર લાવીને મૂકી દે છે. આ ફિલ્મ માત્ર એક મનોરંજન નથી, પણ એક સાંસ્કૃતિક અનુષ્ઠાન છે, તેવું કહેવાય છે.












