રણબીર અને આલિયા ભટ્ટે પોતાના નવા બંગલા માટે અરુણ યોગીરાજ પાસે ગણપતિની મૂર્તિ બનાવડાવી છે. આ એ જ શિલ્પકાર છે, જેણે અયોધ્યા રામ મંદિરના રામ લલ્લાની મૂર્તિ બનાવી છે. આ ગણપતિની મૂર્તિ પણ ચાર ફૂટ ઉંચી છે, જે એક જ પત્થરને કોતરીને બનાવવામાં આવી છે. જેમાં ગણપતિની એક સંગીતકાર તરીકે કલ્પના કરવામાં આવી છે. રણબીર અને આલિયા અયોધ્યા રામ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે ગયાં હતાં, તે વાતને પણ આ ઘટના સાથે જોડવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, 2024માં રણબીર અને આલિયા અયોધ્યા રામ મંદિરના લોકાર્પણ પ્રસંગે દેશના અન્ય મહાનુભાવો સાથે અયોધ્યા પહોંચ્યાં હતાં. હવે તેમણે એ જ મૂર્તિના મૂર્તિકાર અરુણ યોગીરાજને પોતાના બંગલાના ગણપતિ માટે ઓર્ડર આપ્યો હતો.
આ અંગે એક ઇન્ટરવ્યુમાં અરુણે જણાવ્યું હતું કે, ‘રણબીર અને આલિયાએ મારો ફોન પર સંપર્ક કર્યો હતો. તેમણે મને ફોન કરીને વિનંતિ કરી હતી કે મુંબઇના તેમનાં નવા ઘર માટે હું ગણપતિની મૂર્તિ બનાવી આપું. ગયા વર્ષે તેમનું ઘર બની રહ્યું હતું એ સ્થળની પણ મેં મુલાકાત લીધી હતી, જેથી હું સમજી શકું કે તેઓ મૂર્તિ ક્યાં મુકવાના છે. જેથી હું એ સુનિશ્ચિત કરી શકું કે તેમની મૂર્તિ યોગ્ય સ્થાને યોગ્ય રીતે મુકી શકાય. તેમણે મારું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને મને ત્યારે તેમના ઘરે જમવા માટે પણ બોલાવ્યો હતો.’ અત્યારે રણબીર અને આલિયા બંને બે ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. આલિયાએ યશરાજના સ્પાય યુનિવર્સની આલ્ફા અને રણબીરે નીતેશ તિવારીની રામાયણના પ્રથમ ભાગનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે, જ્યારે હવે તેઓ બંને સંજય લીલા ભણસાલીની લવ એન્ડ વૉરનું શૂટ કરી રહ્યાં છે.












