બ્રેન્ટ ઈસ્ટના સાંસદ ડોન બટલરે 22 ઓક્ટોબરના રોજ વડા પ્રધાનના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન હાઉસ ઓફ કોમન્સમાં સાડી પહેરીને દિવાળી અને હિન્દુ નવા વર્ષની ઉજવણી કરી હતી. તેમણે બ્રેન્ટમાં વસતા હિન્દુઓ, શીખો અને જૈનોની સરાહના કરી બરોના વૈવિધ્યસભર અને જીવંત સમુદાયોને પ્રકાશિત કર્યા હતા.
સંસદમાં બોલતા, બટલરે નીસડનના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરીના શ્રી સ્વામિનારાયણ મંદિર અને વિલ્સડનના શ્રી સ્વામિનારાયણ મંદિર સહિત સ્થાનિક મંદિરોના યોગદાનની પ્રશંસા કરી હતી. આ મંદિરોએ ચેરિટી કાર્યો, ફૂડ બેંકો અને રક્તદાન ઝુંબેશ જેવા જાહેર કાર્યક્રમો દ્વારા સમુદાયના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
તેમણે ભાર મૂક્યો હતો કે દિવાળી અંધકાર પર પ્રકાશ, અનિષ્ટ પર સારપ અને અજ્ઞાન પર જ્ઞાનની જીતની ઉજવણી કરે છે, અને દયા, સેવા અને આશાના તહેવારના સંદેશ પર પ્રતિબિંબ પાડે છે.
ડાયેન એબોટ અને ઉના કિંગ પછી ત્રીજા શ્યામ મહિલા સાંસદ બટલર, પ્રથમ ચૂંટાયેલા આફ્રિકન-કેરેબિયન મિનિસ્ટર છે અને અગાઉ મહિલા સશક્તિકરણ અભિયાન સહિત જાહેર કાર્યક્રમોમાં સાડી પહેરી ચૂક્યા છે. તેમણે બ્રેન્ટની વિવિધતાને તેની સૌથી મોટી તાકાત ગણાવી હતા જેમાં સમગ્ર બરોમાં 150 ભાષાઓ બોલાય છે, અને બહુસાંસ્કૃતિકતા સમુદાયને કેવી રીતે એક કરે છે તેના પર ભાર મૂક્યો હતો જે સહિયારા મૂલ્યોની ઉજવણી કરે છે.
સ્થાનિક રહેવાસીઓને દિવાળી અને નવા વર્ષ પ્રસંગે બધાને શાંતિ, ખુશી અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવતા બટલરે કહ્યું હતું કે ‘’દિવાળી દરેકને કરુણા, ઉદારતા અને એકતાની કાયમી શક્તિની યાદ અપાવે છે. આપણો સમુદાય આપણી તાકાત છે.”












