ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સમાં (GFCI) ન્યૂ યોર્કે તેનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે લંડન બીજા સ્થાને યથાવત રહ્યું છે. આ ઇન્ડેક્સમાં ચીનના શહેરો નીચે ગબડ્યા છે, એમ ચાઈના ડેવલપમેન્ટ ઇન્સ્ટીટ્યૂટના સહયોગમાં ઝેન-યેન ગ્રૂપે શુક્રવારે જારી કરેલી ટોચના ફાઇનાન્શિયલ સેન્ટર્સની યાદીમાં જણાવાયું હતું.
આ ઇન્ડેક્સ ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર તરીકે લંડન માટે રાહતજનક છે, કારણ કે ગયા ડિસેમ્બરમાં બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી નીકળી ગયા પછી પણ લંડનના સ્થાનને અસર થઈ નથી.

GFCIએ એક નિવેદનમાં જણાવાયું છે કે ન્યૂ યોર્ક અને લંડનનો તુલનાત્મક રીતે મજબૂત દેખાવ સૂચવે છે કે છેલ્લાં 18 મહિનામાં કાર્યપ્રણાલીમાં ધરખમ ફેરફાર થયો હોવા છતાં આ શહેરોના ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્ટર તેમના દેખાવને મજબૂત રાખી શક્યા છે.

આ યાદીમાં હોંગકોંગ અને સિંગાપોર ત્રીજા અને ચોથા સ્થાન રહ્યાં છે, જોકે તેમના રેટિંગમાં 25 પોઇન્ટ્સનો ઘટાડો થયો છે. Z/Yenના એક્ઝિક્યુટિવ ચેરમેન માઇકલ મૈનેલીએ જણાવ્યું હતું કે GFCI 30ના તારણોમાં બે પેટર્ન જોવા મળી છે. પ્રથમ એ કે 2020ના આંચકા પછી અમેરિકન અને વેસ્ટર્ન યુરોપિયન અર્થતંત્રોમાં રિકવરીમાં વિશ્વાસ છે. બીજુ એ કે એશિયા-પેસિસિફ સેન્ટર્સનો ઝડપથી ઉદય થઈ રહ્યો છે અને કોરોના મહામારીમાં આર્થિક સ્થિરતા રહી છે.
તેમણે જણાવ્યું હતું કે સ્પર્ધા આકરી છે. ટોચના બે સ્થાન સિવાયના સ્થાનોમાં ત્રીજાથી આઠમાં સ્થાન માટે માત્ર પાંચ પોઇન્ટ્સનો તફાવત છે. આ ઇન્ડેક્સમાં 1,000 પોઇન્ટ્સને આધારે રેન્કિંગ આપવામાં આવે છે.
ફિનટેક સેન્ટર્સના સરવેમાં ન્યૂ યોર્ક અને શાંઘાઈ તેમનું પ્રથમ અને બીજું સ્થાન જાળવી રાખ્યું છે. જોકે બે સ્થાન કૂદાવીને લંડન ત્રીજા સ્થાને આવી ગયું છે, કારણ કે બ્રિટન ફિનટેક નીતિઓને પ્રાધાન્ય આપી રહ્યું છે.