Cryptocurrency transactions now under the ambit of money laundering laws
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ચીને ક્રિપ્ટોકરન્સી સામે મોટી કાર્યવાહી કરીને તમામ ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન અને માઇનિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે. ચીનની કડક કાર્યવાહીને કારણે બિટકોઇન અને બીજા ક્રિપ્ટો કોઇન ગબડ્યા હતા તથા ક્રિપ્ટો અને બ્લોકચેઇન સાથે જોડાયેલી કંપનીઓના શેરોમાં ભારે ધોવાણ થયું હતું.

ચીનની સેન્ટ્ર બેન્ક, બેન્કિંગ એન્ડ સિક્યોરિટીઝ નિયમનકારી સંસ્થા તથા ફોરેન એક્સ્ચેન્જ નિયમનકારી સંસ્થા સહિત દસ એજન્સીઓ એકસાથે કાર્યવાહી કરીને ગેરકાયદે ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શનને જડમૂળથી ઉખેડી નાંખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ચીને ક્રિપ્ટોકરન્સી સંબંધિત તમામ કામકાજ સામે લાલ આંખ કરી હોય તેવું પ્રથમ વખત બન્યું છે.
ચીને મે મહિનામાં ક્રિપ્ટોકરન્સી સંબંધિત સર્વિસ આપવા સામે નાણા સંસ્થાઓ અને પેમેન્ટ કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. 2013 અને 2017માં પણ આવા પ્રતિબંધ મૂક્યા હતા. વારંવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં છટકબારી રહી જાય છે અને તેનાથી ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન ચાલુ રહ્યાં છે.

જોકે શુક્રવારનું નિવેદન વધુ વિગતવાર અને સર્વગ્રાહી છે. તે ચીનના ક્રિપ્ટો માર્કેટને સંપૂર્ણપણે બંધ કરવાની ચીનની પ્રતિબદ્ધતાનો સંકેત આપે છે. એનવાયયુ લો સ્કૂલના પ્રોફેસર વિન્ટોન માએ જણાવ્યું હતું કે ચીનમાં ક્રિપ્ટો માર્કેટ રેગ્યુલેશનના ઇતિહાસમાં આ સૌથી વધુ સીધું અને સૌથી વધુ સર્વગ્રાહી નિયમનકારી માળખું છે. તેમાં સંખ્યાબંધ પ્રધાનોનો પણ સામેલ કરાયા છે.

વિશ્વભરના દેશો ક્રિપ્ટોકરન્સી સામે કાર્યવાહી કરી રહ્યાં છે. એશિયાથી લઇને અમેરિકા સુધીના દેશો ખાનગી ધોરણે ઓપરેટ થતાં આ અતિશય વોલેટાઇલ ડિજિટલ કરન્સીથી ચિંતાતુર છે. આ દેશો માને છે કે ક્રિપ્ટો કરન્સીથી ફાઇનાન્શિયલ અને મોનેટરી સિસ્ટમ પર અંકુશ રહેશે નહીં તથા સમગ્ર સિસ્ટમ પર જોખમ ઊભુ થશે. તેનાથી ફાઇનાન્શિયલ ક્રાઇમ પણ વધવાની દહેશત છે.

વિશ્વના દેશો ક્રિપ્ટો માઇનિંગથી પણ ચિંતિત છે, કારણ કે હાઇ પર્ફોર્મિંગ કમ્પ્યૂટર્સ દ્વારા ઊર્જા પ્રધાન પ્રક્રિયા મારફત બિટકોઇન અને બીજા ટોકન મેળવવામાં આવે છે, તેનાથી વૈશ્વિક પર્યાવરણ અંગેની પણ ચિંતા ઊભી થાય છે.
પીપલ્સ બેન્ક ઓફ ચાઇનાએ જણાવ્યું હતું કે ક્રિપ્ટોકરન્સી ચલણમાં ન હોવા જોઇએ. ચીનના રોકાણકારોને આવી સર્વિસ આપવા સામે વિદેશી એક્સ્ચેન્જો પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.

બિટકોઇન સહિતની તમામ ક્રિપ્ટોકરન્સીમાં કડાકો

ચીનની કડક કાર્યવાહીને પગલે વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં 9 ટકાનો કડાકો બોલાયો હતો અને તેના ભાવ ઘટીને 40,693 ડોલરે ટ્રેડ થતાં હતા. બિટકોઇનની સાથે ઉછળતા અને ગબડતા સ્મોલ કોઇન પણ ગબડ્યાં હતા. એથર અને એક્સઆરપીમાં 10 ટકાનો તીવ્ર ઘટાડો થયો હતો. અમેરિકામાં લિસ્ટેડ ક્રિપ્ટો માઇનર કંપનીઓ રાયોટ બ્લોકચેઇન, મેરેથોન ડિજિટલ અને બિટ ડિજિટલ ના શેરોમાં પ્રિ-માર્કેટ ટ્રેડિંગમાં 6.3થી 7.5 ટકાનો ઘટાડો થયો હતો. ચાઇના ફોકસ્ડ એસઓએસ 6.1 અને સાન ફ્રાન્સિસ્કો ક્રિપ્ટો એક્સેન્જ કોઇનબેઝ ગ્લોબમાં 3.4 ટકાનો ઘટાડો થયો હતો.