કોરોના વાયરસના કારણે દેશમાં 21 દિવસનું લૉકડાઉન છે. આ લૉકડાઉનના કારણે દેશની ઇકોનોમીને મોટું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન સરકાર તરફથી નાણા મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરતાં કહ્યું કે છે સરકાર ગરીબોને 1.70 લાખ કરોડની મદદ કરશે. તેઓએ જણાવ્યું કે, ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને 1.70 લાખ કરોડ રૂપિયાની મદદ કરવામાં આવશે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે કોરોના વાયરસથી પ્રભાવિત છૂટક મજૂરી કરનારા અને ગરીબો માટે 1.70 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ ગરીબોને કૅશ ટ્રાન્સફર કરવામાં આવશે. આ ઉપરાંત કોરોના વાયરસથી લડનારાઓ માટે 50 લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સ કવર આપવાની જાહેરાત કરી છે. આ યોજનાથી 20 લાખ કર્મચારીઓને ફાયદો થશે.

નાણા મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 80 કરોડ લોકોને સસ્તા દરે અનાજ મળશે. સરકારે કહ્યું કે કોરોના વાયરસના કારણે કોઈ પણ ગરીબ ભોજનને લઈ ચિંતા ન કરે. ગરીબ લોકોને 5 કિલોગ્રામ વધારાનું અનાજ 3 મહિના મફતમાં મળશે. તેમને એક કિલો દાળ પણ મફતમાં મળશે. ઘઉં, ચોખાની સાથે દાળ પણ ગરીબોને મળશે.