getty images

કોરોનાની જ્યાંથી શરૂઆત થઈ હતી એ ચીન મૃત્યુઆંકની બાબતમાં ત્રીજા ક્રમે ધકેલાઈ ગયું છે. સૌથી વધુ મોત ઈટાલીમાં થયા છે અને પછીના ક્રમે સ્પેનમાં મૃત્યુ નોંધાયા છે. 25મી તારીખ સુધીમાં સ્પેનમાં 47 હજારથી વધારે કેસ અને 3400થી વધારે મોત નોંધાયા હતા.

ઈટાલીમાં મૃત્યુ સંખ્યા 7500થી વધારે અને કેસની સંખ્યા 75 હજાર નજીક પહોંચી છે. દરમિયાન બ્રિટનમાં એલિઝાબેથના દીકરા પ્રિન્સ ચાર્લ્સને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. માટે તેઓ સ્કોટલેન્ડ ખાતેના નિવાસસ્થાને ક્વૉરન્ટાઈનમાં ચાલ્યા ગયા છે. આખા જગતમાં 40 ટકા વસ્તી એટલે કે અંદાજે 3 અબજથી વધારે લોકો ઘરમાં બંધ છે.

આખા જગતમાં કોરોનાના કુલ કેસ 4.40 લાખથી વધારે થયા છે. જ્યારે મૃત્યુઆંક વીસ હજાર નજીક પહોંચ્યો છે. સામે પક્ષે 1 લાખ, બાર હજારથી વધારે કોરોનાગ્રસ્ત દરદી સાજા પણ થયા છે. જર્મન સરકારે નાગરિકો માટે 1 લાખ કરોડ યુરો ડૉલરનું પેકેજ મંજૂર કર્યું છે. તેનો ઉપયોગ નાગરિકોમાં વહેંચણી માટે થવાની શક્યતા છે. બીજી તરફ ચીને પોતાનો વુહાન પ્રાંત આજથી લોકડાઉન મુક્ત કરી દીધો છે.

કોરોનાની શરૂઆત ડિસેમ્બરમાં ચીનના વુહાન અને હુબેઈ પ્રાંતથી થઈ હતી. એ પ્રાંતને મહિનાઓ સુધી લોકડાઉન રાખ્યા પછી હવે સલામત જણાતા ચીને વિસ્તાર ખૂલ્લો મુકી દીધો છે. તેનાથી અન્ય દેશોને પણ કોરોના સામે લડવાનું પ્રોત્સાહન મળશે.

ભારતમાં જેમ લોકો ટોળે વળે છે અને રાજનેતાઓ કાર્યક્રમો ચાલુ રાખી રહ્યા છે, એવી સ્થિતિ અમેરિકામાં પણ છે. અહીં કેટલાક સાંસદો હજુ પણ કોરોનાથી સાવધાન રહેવામાં ગફલત કરી રહ્યા છે. પરદેશ પ્રવાસ અટકાવવાની સૂચના હોવા છતાં આ અઠવાડિયે જ વિદેશ મંત્રી માઈક પોમ્પેઓ અફઘાનિસ્તાનથી પ્રવાસ કરી અમેરિકા આવ્યા હતા. એ રીતે કેટલાક સેનેટરો પણ સ્થિર રહેવાને બદલે આમ-તેમ ફરી રહ્યા છે.

દરમિયાન સ્પેને કોરોના સામે લડવા ચીન પાસેથી 46.7 કરોડ ડૉલરની મેડિકલ સામગ્રી ખરીદી છે, જેમાં 55 કરોડ માસ્ક અને 55 લાખ ટેસ્ટ કિટ સહિતની સામગ્રીનો સમાવેશ થાય છે. 26મી માર્ચે સાઉદી અરબની આગેવાનીમાં જી-20 દેશોની ઇમર્જન્સી મિટિંગ મળશે. આ મિટિંગ માટે જોકે નેતાઓ એકઠા નહીં થાય, ઓનલાઈન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જ મિટિંગ કરવામાં આવશે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ બેઠકમાં ભાગ લેશે.