એક સમયની હોટ અભિનેત્રી અમીષા પટેલ કાયદાકીય વિવાદમાં ફસાઈ છે અને તેની સામે પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. સોશિયલ વર્કર સુનિલ જૈને તેની સામે ઠગાઈનો કેસ કર્યો છે. ફરિયાદમાં દાવો કરાયો છે કે, મધ્યપ્રદેશના ખંડવામાં અમીષાએ ખૂબ ટૂંકું સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું. ગદર એક પ્રેમકથાની અભિનેત્રીએ આ કાર્યક્રમમાં પરફોર્ન્સ માટે મોટી રકમ અપાઈ હોવાનું કહેવાય છે. જોકે, ત્યાં યોગ્ય વ્યવસ્થા નહીં હોવાનું કારણ રજૂ કરીને અમીષાએ પોતાનો બચાવ કર્યો છે. અમીષાએ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું હતું કે, 23 એપ્રિલે ખંડવા શહેરમાં નવચંડી મહોત્સવ એટેન્ડ કર્યો હતો. સ્ટાર ફ્લેશ એન્ટરટેઈનમેન્ટ અને અરવિંદ દ્વારા બહુ ખરાબ વ્યવસ્થા હતી. મને મારા જીવની ચિંતા હતી, પરંતુ મારી કાળજી રાખવા બદલ સ્થાનિક પોલીસનો આભાર માનું છું. અમીષાએ પોતાના જીવને જોખમનો દાવો કર્યો છે ત્યારે ધક્કામુક્કી કે ખેંચતાણની કોઈ ઘટના સત્તાવાર નોંધાઈ નથી. પોલીસે જણાવ્યું હતું કે, અમીષા આવી હોવાના કારણે કાર્યક્રમના સ્થળે મોટી ભીડ હતી, પરંતુ કોઈ પણ પ્રકારની ગેરવર્તણૂક જોવા મળી ન હતી. મંદિર પરિસરમાં બનેલા સ્ટેજ પર અમીષા રાત્રે 9.30 કલાકે પહોંચી હતી અને ઓડિયન્સનું અભિવાદન ઝીલ્યું હતું. અમીષા એક કલાક માટે પરફોર્મન્સ આપવાની હતી, પરંતુ તે માત્ર ત્રણ મિનિટનું પરફોર્મન્સ આપીને ઈન્દોર જવા નીકળી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ રૂ. 32 લાખના ચેક બાઉન્સ કેસમાં ભોપાલ કોર્ટે તેની સામે વોરંટ ઈશ્યૂ કર્યુ હતું. અત્યારે સની દેઓલ સાથે તેની ગદર-2 ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે.