બોલિવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણને 75મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યૂરી મેમ્બર બનાવવામાં આવી છે. આ ફિલ્મ ફેસ્ટિવલના સંચાલકો દ્વારા જ્યૂરી મેમ્બરની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં દીપિકા પદુકોણનું નામ પણ સામેલ છે. આ ફિલ્મ ફેસ્ટિવલ 17 મેથી શરૂ થશે. આ વર્ષે વિન્સેન્ટ લિંડનને જ્યૂરી કમિટીના પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા છે. આ કમિટીમાં દીપિકા ઉપરાંત બ્રિટિશ સ્ટાર રેબેકા હોલ, નોર્વેના ફિલ્મ નિર્માતા જોઆશિમ ટ્રાયર, અમેરિકન નિર્દેશક જેફ નિકોલ્સ, સ્વીડન સ્ટાર નૂમી રપાસ, ઈરાની ડાયરેક્ટર અસગર ફરહાદી, ઈટાલીના ડાયરેક્ટર અને અભિનેત્રી જાસ્મીન ટ્રિંકા અને ફ્રેન્ચ ફિલ્મ નિર્માતા લેડ્ઝ લીને સ્થાન આપવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ દીપિકા આ ફેસ્ટિવલમાં અનેકવાર રેડ કાર્પેટ સન્માન મેળવી ચૂકી છે, પરંતુ આ વખતે તે જ્યૂરી મેમ્બરની ભૂમિકા ભજવશે. દીપિકા પદુકોણે આ સિદ્ધિ અંગે પોતાના ઈન્સ્ટાગ્રામ પર માહિતી આપી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર જ્યુરી સભ્યોની તસવીરો શેર કરી અને હાથ જોડીને કાન ફેસ્ટિવલનો આભાર માન્યો છે.