પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કૃષિ આયાત પર અને ખાસ કરીને ભારતથી ચોખાની આયાત પર નવી ટેરિફ લાદવાની સોમવારે ચેતવણી આપી હતી. તેમણે કેનેડાથી ખાતરની આયાત પર પણ આવા પગલાં લેવાની ધમકી આપી હતી. બંને દેશો સાથે વેપાર વાટાઘાટો કોઈ મોટી પ્રગતિ ચાલુ છે ત્યારે ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે એક બેઠક દરમિયાન આ ટિપ્પણી કરી હતી

આ બેઠકમાં ટ્રમ્પે અમેરિકાના ખેડૂતો માટે અબજ ડોલરના રાહત પેકેજની જાહેરાત સાથે બીજા એશિયન સપ્લાયરોની આકરી ટીકા પણ કરી હતી.

અમેરિકાના છૂટક ચોખા બજારમાં ભારતની બે અગ્રણી બ્રાન્ડ્સનું વર્ચસ્વ હોવાના મુદ્દે ટ્રમ્પે જણાવ્યું હતું કે “ઠીક છે, અને અમે તેનું ધ્યાન રાખીશું. તે ખૂબ જ સરળ છે. ફરીથી ટેરિફથી બે મિનિટમાં સમસ્યાનું નિરાકરણ આવશે. ભારતની કંપનીઓએ ડમ્પિંગ ન કરવું જોઇએ.

રિપબ્લિકન નેતાએ દાવો કર્યો હતો કે આયાત સ્થાનિક ઉત્પાદકો માટે મોટો પડકાર છે અને અમેરિકન ઉત્પાદકોને સુરક્ષિત રાખવા માટે ટેરિફનો આક્રમક ઉપયોગ કરીને આ મુદ્દાને ઉકેલ લાવવામાં આવશે. વહીવટીતંત્ર અમેરિકન ખેડૂતોને $12 બિલિયનની આર્થિક સહાય આપશે, જેનું ભંડોળ અમેરિકા તેના વેપાર ભાગીદાર દેશો પાસેથી એકત્રિત કરેલી ટેરિફની આવક મારફત ઊભું કરશે.

આ બેઠકમાં ભારતથી થતી ચોખાની આયાતનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. તેને લ્યુઇસિયાનાના એક ઉત્પાદકે દક્ષિણના ખેડૂતો માટે વિનાશક ગણાવ્યું હતું.

જો પ્રેસિડન્ટ ખરેખર ચોખા પર વધારાની જકાત લાદશે તો તેનાથી ભારતને અસર થવાની ધારણા છે. આની સાથે બાસમતી ચોખાના અમેરિકન ગ્રાહકોને નવા વેરાનો ભોગ બનવું પડશે.

ઓલ ઈન્ડિયા રાઇસ એક્સપોર્ટર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી અજય ભલ્લોટિયાએ જણાવ્યું હતું કે ટ્રમ્પે તેમના નિવેદનમાં વિયેતનામ અને થાઈલેન્ડ સાથે ભારતનો ઉલ્લેખ કર્યો હતો, જે સ્પષ્ટ કરે છે કે ટ્રમ્પ નોન-બાસમતી ચોખાનો ઉલ્લેખ કરી રહ્યા છે.આનું કારણ એ છે કે વિયેતનામ અને થાઇલેન્ડ ફક્ત નોન-બાસમતી ચોખાની નિકાસ અમેરિકામાં કરે છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે વધારાનો ટેરિફ ફક્ત નોન-બાસમતી ચોખા પર જ લાગુ થશે કે બાસમતી ચોખા પર પણ. અમેરિકામાં બાસમતી ચોખાની નિકાસ નોન-બાસમતી ચોખાની નિકાસ કરતાં લગભગ પાંચ ગણી વધારે છે. હવે આપણે રાહ જોવી પડશે.

નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૦૨૫ દરમિયાન, ભારતે ૩૩૭.૧૦ મિલિયન ડોલરના બાસમતી ચોખાની નિકાસ કરી હતી, જે કુલ ૨૭૪,૨૧૩.૧૪ મેટ્રિક ટન (MT) હતી. ભારતીય ચોખા નિકાસકારો ફેડરેશન (IREF)ના ડેટા અનુસાર ભારતના બાસમતી ચોખા માટે અમેરિકામાં વિશ્વમાં ચોથા ક્રમનું સૌથી મોટું બજાર છે. આ જ સમયગાળામાં, ભારતે ૫૪.૬૪ મિલિયન ડોલરના મૂલ્યના બિન-બાસમતી ચોખાની નિકાસ કરી હતી, જે ૬૧,૩૪૧.૫૪ મેટ્રિક ટન જેટલી હતી, જેનાથી અમેરિકા બિન-બાસમતી ચોખા માટે ૨૪મું સૌથી મોટું બજાર છે.

LEAVE A REPLY