(ANI Photo)

મુંબઈમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર રવિવારે વહેલી સવારે મોટરબાઈક પર આવેલા બે અજાણ્યા વ્યક્તિઓએ ચાર રાઉન્ડ ફાયરિંગ કરતાં ચકચાર મચી હતી. આ હુમલાને કારણે પોલીસે સલમાનના ઘરની આસપાસ સુરક્ષા કડક બનાવી હતી અને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં સલમાન ખાનને ઘણી ધમકીઓ મળી છે ત્યારે ફાયરિંગની આ ઘટના બની હતી.

પોલીસે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરનારા બે બાઈક પર સવાર શૂટરોની તસવીર જાહેર કરી હતી. બંને હુમલાખોરોએ કેપ પહેરેલી છે અને તેમના પર બેકપેક છે. તેમાંથી એક વ્યક્તિએ સફેદ ટી-શર્ટ, બ્લેક જેકેટ અને ડેનિમ્સ પહેર્યા છે, જ્યારે બીજી વ્યક્તિ લાલ ટી-શર્ટ અને ડેનિમ્સમાં છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજ ફાયરિંગ શોટમાં દેખાતા બે શૂટરોમાંથી એક હરિયાણાના ગુરુગ્રામનો વોન્ટેડ ગેંગસ્ટર છે. ગેંગસ્ટર વિશાલ રાહુલ ગેંગસ્ટર રોહિત ગોદારાનો શૂટર છે, જે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો છે.

સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ હાઉસની બહાર ગોળીબારના કલાકો પછી, જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આ ઘટનાની જવાબદારી સ્વીકારી અને કહ્યું હતું કે તે માત્ર “ટ્રેલર” હતું.

સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓ અને ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ પુરાવા એકત્ર કરવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘટનાની તપાસ શરૂ કરી હતી.ઘટના સમયે અભિનેતા ઘરમાં હાજર હતો કે કેમ તે અંગે પોલીસ અથવા સલમાન ખાનના પરિવાર તરફથી કોઈ સત્તાવાર જાણકારી મળી ન હતી.અગાઉ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારની ગેંગે સલમાન ખાનને ધમકી આપી હતી.

LEAVE A REPLY

14 − 13 =