ન્યુઝીલેન્ડમાં કોરોનાના માત્ર 22 એક્ટિવ કેસ છે. તેમાંથી માત્ર એક જ દર્દી હોસ્પિટલમાં છે. બાકીના દર્દીઓની સ્થિતિ બહુ ગંભીર ન હોવાથી તેઓ ઘરે જ દેખરેખ હેઠળ છે. વડાપ્રધાન જેસિન્ડા આર્ડને તેની પુષ્ટિ કરી છે. દેશમાં અઠવાડિયાથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. છેલ્લા 20 દિવસમાં કોરોનાથી એકેય મોત પણ નથી થયું. તેથી સરકારે 29 મેથી લૉકડાઉનમાં વધુ છૂટછાટ આપવાનું નક્કી કર્યું છે તે અંતર્ગત એક જગ્યાએ વધુમાં વધુ 100 લોકો ભેગા થઇ શકશે. અત્યાર સુધી 10 લોકો ભેગા થવાની જ મંજૂરી હતી. ચર્ચ, કાફે, રેસ્ટોરન્ટ ખૂલશે.

વડાપ્રધાને કહ્યું કે આ ફેરફાર વેપાર-ધંધા માટે સારા છે. સરકાર લૉકડાઉનના કારણે રોજગારી ગુમાવનારા લોકોને અઠવાડિયામાં 17,360 રૂ. આપશે. ન્યુઝીલેન્ડમાં કોરોનાનો પહેલો કેસ 28 ફેબ્રુઆરીએ સામે આવ્યો હતો. કુલ 28 કેસ નોંધાયા બાદ 19 માર્ચથી સરકારે સખત લૉકડાઉન લાગુ કરી દીધું હતું, સરહદો સીલ કરી દીધી હતી. ટાપુ દેશ હોવાના કારણે ન્યુઝીલેન્ડ માટે સરહદ પર નિયંત્રણ સરળ છે. અહીં અત્યાર સુધીમાં 1,504 કેસ સામે આવ્યા છે, જેમાંથી 21 લોકોનાં મોત થયાં જ્યારે 1,461 લોકો સાજા થઇ ચૂક્યા છે.

ઓસ્ટ્રેલિયામાં 60 દિવસ બાદ 500થી ઓછા (478) એક્ટિવ કેસ છે. સરકારે 1 જૂનથી લૉકડાઉનમાં વધુ છૂટછાટ આપવાનું નક્કી કર્યું છે. એક સ્થળે 80 લોકો ભેગા થઇ શકશે. પબ, રેસ્ટોરન્ટ, સલૂન, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, સ્કેટિંગ પાર્ક, આઉટડોર જિમ, મ્યુઝિયમ, ઝૂ, થીમ પાર્ક ખૂલશે. વિદ્યાર્થીઓ, કર્મચારી જાહેર પરિવહન દ્વારા મુસાફરી કરી શકશે. મહામારી અગાઉ 9 લાખ સ્ટુડન્ટ્સ, 1.10 લાખ કર્મચારી તેનો ઉપયોગ કરતા હતા. અહીં અત્યાર સુધીમાં 7,133 કેસ સામે આવ્યા છે. 102 મોત થયાં. 16 મે પછી રોજ 15થી વધુ કેસ નથી આવ્યા.

પહેલો કેસ 25 જાન્યુઆરીએ નોંધાયો હતો. WHOની ના છતાં સરકારે સમયસર સરહદો સીલ કરી. નિષ્ણાતોનું કહેવું છે કે અહીં સઘન ટેસ્ટિંગ, સેલ્ફ આઇસોલેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગથી કોરોનાનું સંક્રમણ ઝડપી થતું અટક્યું. થાઇલેન્ડે કોરોના સામે લડવા માટે ઇમરજન્સી 30 જૂન સુધી લંબાવી છે. અહીં માર્ચમાં ઇમરજન્સી લાગુ કરાઇ હતી. થાઇલેન્ડ ચીન બાદ સંક્રમિત થનારા શરૂઆતના દેશોમાં હતું. અહીં 13 જાન્યુઆરીએ પહેલો કેસ સામે આવ્યો હતો. અત્યાર સુધીમાં 3,045 કેસ નોંધાયા છે અને 57 મોત થયા છે. હાલ માત્ર 29 એક્ટિવ કેસ છે.