કોરોના સંકટને કારણે અમેરિકામાં બેરોજગારી દર 80 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. આશરે 3 કરોડ લોકો બેરોજગારી ભથ્થાં માટે રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. જોકે ઘણા લોકોને હજુ સુધી ભથ્થું મળવાનું શરૂ થયું નથી. પરંતુ જેમને મળી રહ્યું છે, તેટલું તો નોકરી કરવાથી પણ મળતું ન હતું. તેના કારણે બેરોજગારી ભથ્થું અને બેરોજગારી ઇન્સ્યોરન્સ જેવી સરકારની કલ્યાણકારી યોજનાઓ પર દબાણ વધી ગયું છે.

અમેરિકી શ્રમ વિભાગ મુજબ 16 મેથી 21 મે સુધીના સપ્તાહમાં 24 લાખ લોકોએ અનએમ્પ્લોયમેન્ટ ઇન્સ્યોરન્સ કે બેરોજગારી ભથ્થાં માટે અરજી કરી. તેમની સાથે છેલ્લાં 9 સપ્તાહમાં 3.86 કરોડ લોકો રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. તેમને સરકાર દર સપ્તાહે 600 ડોલર એટલે આશરે 45 હજાર રૂપિયા ભથ્થું આપી રહી છે જ્યારે મોટા ભાગના લોકોની સરેરાશ આવક 30 હજારથી 35 હજાર રૂપિયા છે. એટલે તેમને નોકરી કરતાં વધુ પૈસા તો બેરોજગારી ભથ્થામાં મળી રહ્યા છે.

ઘણા લોકો તો તેને ભારેભરખમ એપ્રાઇઝલ માની રહ્યા છે. વધુ પૈસા મળવાથી હવે લોકો કામ જ કરવા માગતા નથી. પહેલાં આ યોજનામાં સ્વરોજગાર, બિઝનેસ કે અનિયમિત વર્ક હિસ્ટ્રીવાળા લોકો સામેલ નહતા પરંતુ હવે તેઓ પણ આમાં સામેલ છે. ફેબ્રુઆરીમાં અમેરિકામાં બેરોજગારી દર માત્ર 3.5 ટકા હતો, જે 50 વર્ષના સૌથી નીચલા સ્તરે હતો. કોરોના સંકટ બાદ તેમાં ઉછાળો આવ્યો અને 14.5 ટકાએ પહોંચી ગયો. જે 80 વર્ષમાં સૌથી વધુ છે. બેરોજગારી ભથ્થાં પાછળ વધુ રકમ ખર્ચ કરવી પડશે.

કોરોનાની રાહત રકમના 3 ટકા જ છે. બેરોજગારી ઇન્સ્યોરન્સનો હેતુ જ્યાં સુધી નવું કામ નથી મળી જતું ત્યાં સુધી નોકરીથી થયેલા નુકસાનની ભરપાઇ કરવાનો છે. મહામારી પહેલાં તેના નિયમ બહુ કડક હતા પરંતુ તેમાં ફેરફાર બાદ લોકો હવે કામ જ કરવા માગતા નથી. કારણ કે તેમને નોકરી કરતા વધુ પૈસા મળી રહ્યા છે. તેથી સરકારે કંપનીઓ પાસે જે કર્મચારીઓ બોલાવવા છતાં નોકરી પર ચઢી રહ્યા નથી તેમનો રિપોર્ટ માગ્યો છે.