મંગળવારે એક ભારતીય વિદ્યાર્થી – કર્ણાટકના નવિન શેખરપ્પા જી. ખારકીવ શહેરમાં પોતાના બંકરમાંથી બહાર નિકળી ભોજન સામગ્રી લેવા ગયો ત્યારે જ થયેલા વિસ્ફોટમાં તેનું મોત નિપજ્યાનું ભારત સરકારે જણાવ્યું હતું. ભારતીયોને યુક્રેનથી સ્વદેશ પાછા લાવતી આઠ ફલાઈટ્સ મંગળવાર સુધીમાં ભારત પહોંચી ગઈ હતી, નવમી ફલાઈટ પણ મંગળવારે ભારત આવવા રવાના થઈ ચૂકી હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું હતું.

યુક્રેનમાં સ્થિતિ મંગળવારે વણસી હોવાના પગલે કીવ ખાતેની ભારતીય એમ્બેસીએ ત્યાં ફસાયેલા તમામ ભારતીયોને હવે કોઈ રાહ જોયા વિના જે મળે તે વિકલ્પનો ઉપયોગ કરી સલામત સરહદી પોઈન્ટ્સ સુધી પહોંચી જવા સૂચના આપી હતી. હજી સોમવારે જ એમ્બેસીએ એવી સલાહ આપી હતી કે, હેલ્પલાઈન નંબરોનો ઉપયોગ કરી ભારત સરકારના અધિકારીઓ સાથે સંકલન સાધ્યા પછી જ કોઈપણ સરહદી પોસ્ટ તરફ આગળ વધવું, એ સિવાય બહાર નિકળવું નહીં. રશિયન સૈન્ય હવે કીવ ઉપર ભીષણ આક્રમણ કરવાની યોજના ધરાવતું હોવાના અને કીવના માર્ગે રશિયન સેનાનો, રોડ ઉપર 40 કિ.મી. લાંબો જંગી કાફલો સેટેલાઈટ તસવીરોમાં દેખાયા પછી એમ્બેસીએ સલાહમાં ફેરફાર કર્યાનું સમજાય છે.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ માટે સોમવારે બેલારૂસ સરહદે યોજાયેલી મંત્રણાનો પહેલો રાઉન્ડ નિષ્ફળ રહ્યો હતો અને તે પછી રશિયાના સત્તાવાળાઓએ કરેલી જાહેરાત મુજબ બુધવારે તેઓ બીજા રાઉન્ડ માટે મળવાના છે.
ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મંગળવારે વધુ એક તાકિદની બેઠક પછી ભારતીય વાયુ સેનાને યુક્રેન રેસ્ક્યુ મિશનમાં મદદરૂપ થવા વિનંતી કરતાં વાયુ સેનાના વિરાટ કદના ટ્રાન્સપોર્ટ વિમાનો યુક્રેનની આસપાસના દેશોથી ભારતીયોને લાવવામાં કામે લગાડાશે અને એ રીતે રેસ્ક્યુ મિશન ઝડપથી પુરૂ કરાશે.

બીજી તરફ, યુક્રેન સરહદે ભારતીયો પ્રત્યે ભેદભાવ અને તેમને પરેશાન, અપમાનિત કરાતા હોવાના આક્ષેપો વચ્ચે એક નવો મુદ્દો એવો પણ ઉભો થયો છે કે, ત્યાં ભણવા ગયેલા ભારતીય વિદ્યાર્થીઓને જરૂરી પ્રોસિજર માટે પાસપોર્ટ યુનિવર્સિટીમાં જમા કરાવ્યા પછી હવે તેઓ પાસપોર્ટ વિના ફસાયાની સ્થિતિમાં છે. જો કે, ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું હતું કે ભારતીયો સરહદી ચેકપોસ્ટ પાર કરી ત્યાં ઉપસ્થિત ભારતીય અધિકારીઓને મળશે તો તેમને ટ્રાવેલ ડોક્યુમેન્ટ પુરા પડાશે.

પોલેન્ડમાં ઈસ્કોનના વાઈસ પ્રેસિડેન્ટ રાધારામ દાસે મંદિરના દ્વાર તમામ ભારતીયો તેમજ અન્યો માટે ખુલ્લા છે અને સૌને ભોજન તથા પાણી મળી રહેશે તેવો સંદેશો ટ્વીટર ઉપર મુક્યો હતો. પોલેન્ડમાં સ્થાયી થયેલા ભારતીય વેપારીઓ તેમજ અન્ય લોકોએ પણ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને મદદરૂપ થવામાં લાગી ગયા હતા. યુક્રેનના કીવમાં એક શિખ સંસ્થાએ પણ સ્ટેશને જઈ ટ્રેનમાં લોકોને ભોજન વગેરે પુરૂં પાડી મદદરૂપ થયાના અહેવાલો મળે છે.
યુક્રેનમાં ફેલાયેલા ભારત વિરોધી માહોલથી વાકેફ ભારત સરકારે રેસ્કયુ મિશન માટેની સ્પેશિયલ ફલાઈટ્સમાં યુક્રેનના લોકો માટે રાહત સામગ્રી મોકલી યુદ્ધગ્રસ્ત દેશને માનવિય સહાય પુરી પાડવાનો નિર્ણય લીધો છે, જે ભારતીયો વિરૂદ્ધની લાગણી બદલવામાં મદદરૂપ થઈ શકે તેવી શક્યતા છે.

યુદ્ધગ્રસ્ત યુક્રેનથી બચીને ભારત આવી પહોંચેલા કેટલાક ભારતીયો – વિદ્યાર્થીઓએ સોમવારે પોતાના ડરામણા અનુભવોની વાત કરતાં કહ્યું હતું કે, રશિયાના આક્રમણ પછી યુક્રેન છોડી સલામત રીતે બહાર નિકળવાના પ્રયાસ કરી રહેલા ભારતીયો સાથે યુક્રેનના સત્તાવાળાઓ સરહદે ભેદભાવ દાખવી રહ્યા હતા. તો કેટલાક લોકોએ તો સરહદે તેમની સાથે અમાનવિય વ્યવહાર કરાયો હોવાનું જણાવ્યું હતું. વિદ્યાર્થીઓના કહેવા મુજબ ભારતે સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં યુક્રેનની તરફેણ નહીં કરી હોવાથી ત્યાંના સત્તાવાળાઓ ભારતીયો ઉપર ગિન્નાયેલા લાગતા હતા, તો યુક્રેનમાં દેશના નાગરિકોમાં પણ આ જ કારણે ભારત વિરોધી રોષની લાગણી ફેલાયેલી હોવાની અનુભૂતિ તેમને થઈ હતી.
સોમવારે નવી દિલ્હી આવી પહોંચેલા અને પોતાની ઓળખ પ્રવિણ કુમાર તરીકે આપતા એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે, ભારતીયો અને નાઈજીરીઆના લોકોને સરહદ પાર કરતા અટકાવાતા હતા. યુક્રેનના સત્તાવાળાઓ ફક્ત પોતાના નાગરિકોને જ સરહદ પાર કરવા દેતા હતા. અમારે તો સરહદ સુધી પહોંચવા માટે પણ 15 કિ.મી. જેટલું લાંબુ ચાલીને જવું પડ્યું હતું. તો બીજા એક વિદ્યાર્થી, શુભમ કુમારે એવો દાવો કર્યો હતો કે, પોલેન્ડ સાથેની યુક્રેનની સરહદે ભારતીય વિદ્યાર્થીઓને પરેશાન કરવામાં આવતા હતા, યુક્રેનના બોર્ડર ગાર્ડ્સે કેટલાકને માર પણ માર્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓને તો ખુલ્લા પાર્ક્સમાં, બોર્ડર ચેક પોઈન્ટ્સ ઉપર માઈનસ ચાર ડીગ્રીની કાતિલ ઠંડીમાં સુઈ રહેવાની ફરજ પડી હતી.

વિદ્યાર્થીઓના દાવા મુજબ પોલેન્ડ સાથેની યુક્રેનની સરહદે બોર્ડર પોસ્ટ ઉપર તેમને હોસ્ટેજ સિચ્યુએશન જેવી સ્થિતિમાં લાંબો સમય રખાયા હતા. કાતિલ ઠંડીમાં તેમને ખાવા પિવાની સુવિધા કે આશ્રય અથવા તો સરહદ પાર કરવા દેવાનો પણ ઈનકાર કરાયો હતો. બોર્ડર ગાર્ડ્સ તેમને અપમાનિત કરતા હતા. એક ગુજરાતી વિદ્યાર્થીના કહેવા મુજબ તો તેમને એવી પણ માહિતી મળી છે કે, યુક્રેનની સેનાના સૂચના અપાઈ છે કે, ભારત સરકાર યુક્રેનની તરફેણ કરે નહીં ત્યાં સુધી ભારતીયોને યુક્રેન છોડવા સરહદ પાર કરવા દેવા નહીં. કેટલાક વિદ્યાર્થીઓએ તો બોર્ડર પોસ્ટ ઉપરથી તેમના ટોળાને વિખેરવા યુક્રેનના સૈનિકોએ હવામાં ગોળીબાર કર્યાના અને તેમની સામે બળપ્રયોગ કર્યાના વિડિયો પણ ભારતમાં મીડિયા સમક્ષ રજૂ કર્યા હતા.

ભારતીયોને યુક્રેનમાં સલામત બહાર કાઢવા માટે યુક્રેનની હંગેરી, પોલેન્ડ, સ્લોવેક તથા રોમાનીઆની સરહદના ક્રોસિંગ્સનો ઉપયોગ કરાઈ રહ્યો છે. ગુજરાત પાછા ફરેલા કેટલાક વિદ્યાર્થીઓએ ગુજરાતના એક પ્રધાન સમક્ષ તો એવી પણ રજૂઆત કરી હતી કે યુક્રેનની સરહદે પાકિસ્તાની વિદ્યાર્થીઓ પણ ત્યાં બહાર નિકળવાના પ્રયાસમાં તેમની સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા, બાખડી પડ્યા હતા.