(PTI Photo)

સુરતમાં છેલ્લાં બે દિવસથી સતત ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. બે દિવસમાં આશરે 16 ઇંચથી વધુ વરસાદને કારણે રસ્તાઓ બ્લોક થયાં હતાં અને ઘણા નીચાણાવાળા વિસ્તારોમાં ગળાડૂબ પાણીમાં ગરકાવ થયા હતાં. વધુમાં હવામાન વિભાગે બુધવારે, 25 જૂને પણ વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી હોવાથી સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા છે.

અવિરત વરસાદને કારણે સિમાડા ખાડી પણ છલકાઈ ગઈ હતી, જેના પરિણામે વાલમનગર અને શુભમ પાર્ક સોસાયટી જેવા વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાયાં હતાં. સોસાયટીમાં પાણી ઘૂસી જતાં ફાયર વિભાગે બચાવ કામગીરી હાથ ધરી હતી. હોડી દ્વારા સોસાયટીમાં ડોકટરોની ટીમ મોકલવામાં આવી હતી. ટ્રેક્ટર અને બોટનો ઉપયોગ કરીને અસરગ્રસ્ત રહેવાસીઓને બચાવવામાં આવ્યાં હતાં.

સરથાણા પોલીસ સ્ટેશનની આસપાસ સતત બીજા દિવસે પણ પાણી ભરાવાનું ચાલુ રહ્યું હતું. નજીકની સોસાયટીઓ અને ઘરોમાં ઘૂંટણથી કમર સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા હતાં.

સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) જિજ્ઞા પરમારે જણાવ્યું હતું કે કેટલાંક વિસ્તારોમાં પાણી ભરાઈ છે. જોકે કોઇ જાનહાનિ થઈ નથી. 100 મીમીથી વધુ વરસાદને કારણે, બે સ્ટેટ રોડ પર પાણી ભરાઈ ગયા હતાં. નીચાણવાળા વિસ્તારમાં ચારથી પાંચ સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતાં. પરંતુ અત્યાર સુધી કોઈ નુકસાન થયું નથી.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, મંગળવારે સવારે 6 થી બપોરે 12 વાગ્યા દરમિયાન, સુરત શહેરમાં 66 મીમી (2.6 ઇંચ) વરસાદ નોંધાયો હતો. સોમવાર સવારથી શહેરમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ડ્રેનેજ સિસ્ટમ ખોરવાઈ ગઈ છે અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં શહેરી પૂરની સ્થિતિ સર્જાઈ છે.
પુના પર્વત ગામ, વરાછા, કાપોદ્રા, કતારગામ, વેદ રોડ અને જહાંગીરપુરા જેવા નીચાણવાળા વિસ્તારો ભારે પાણીથી ભરાયેલા છે, જેના કારણે રસ્તાઓ પાણીથી ભરેલા તળાવમાં ફેરવાઈ ગયા છે.

ભાગલ વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે દુકાનદારોને તેમની દુકાનો બંધ રાખવાની ફરજ પડી હતી. સુરતમાં રેલ્વે સ્ટેશન અંડરપાસ પાસે એક સિટી બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. સદનસીબે બે ડ્રાઇવર અને બે કામદારો સહિત ચાર વ્યક્તિઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતાં.

આ ઉપરાંત સુરત જિલ્લામાં પણ કેટલાંક તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો હતો બારડોલીમાં 124 મીમી (4.88 ઇંચ), ઉમરપાડા (87 મીમી), માંડવી (81 મીમી), મહુવા (75 મીમી) અને કામરેજ (62 મીમી) વરસાદ નોંધાયો હતો. મંગળવાર સવારે 6થી બપોરે 12 વાગ્યા દરમિયાન પલસાણા (45 મીમી), ઓલપાડ (27 મીમી), માંગરોળ (24 મીમી) અને ચોરાસી (22 મીમી) વરસાદ થયો હતો.

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં, વલસાડના વાપીમાં 130 મીમી (5.12 ઇંચ) વરસાદ નોંધાયો હતો, જ્યારે પારડીમાં 89 મીમી, કપરાડામાં 54 મીમી અને ઉમ્બરગાંવમાં 43 મીમી વરસાદ નોંધાયો હતો. તાપી જિલ્લામાં વ્યારા (110 મીમી) અને સોનગઢ (105 મીમી)માં ભારે વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ આંકડા નર્મદા જિલ્લામાં નોંધાયા હતા, જ્યાં નાંદોદ અને તિલકવાડામાં અનુક્રમે 180 મીમી અને 165 મીમી વરસાદ નોંધાયો હતો.

LEAVE A REPLY