કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ ગુરુવારે નવી દિલ્હીમાં દેશનું વચગાળાનું બજેટ 2024 રજૂ કરવા સંસદમાં પહોંચ્યા ત્યારે બજેટ ટેબલેટ બતાવે છે.(ANI Photo/Shrikant Singh)

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પહેલી ફેબ્રુઆરીએ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ કર્યું હતું. આગામી એપ્રિલ-મે મહિનામાં ચૂંટણી આવી રહી હોવાથી આ બજેટ વચગાળાનું બજેટ હતું અને તેમાં કોઇ મોટા જાહેરાતો કરાઈ ન હતી. તેમાં ટેક્સ માળખાને પણ યથાવત રાખવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણી પછી નવી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે.

હાલની સરકારનું આ છેલ્લું બજેટ હોવા છતાં સરકારે ચૂંટણીમાં લોકોને આકર્ષી શકાય તેવી કોઇ જાહેરાત કરી ન હતી.
નાણાપ્રધાને કોઇ મોટી જાહેરાતો કરવાનું ટાળ્યું હતું. વચગાળાના બજેટમાં ખાસ કરીને એફોર્ડેબલ હાઉસિંગ અને ટ્રાન્સપોર્ટેશન પર ફોકસ કરવામાં આવ્યો હતો. નાણાપ્રધાને જણાવ્યું હતું કે સરકાર આગામી પાંચ વર્ષમાં બે કરોડ નવા ઘર બનાવશે જેથી મધ્યમવર્ગનું તાના ઘરના ઘરનું સપનું સાકાર થાય.

સરકાર મધ્યમવર્ગને ધ્યાનમાં રાખીને એક સ્કિમ લોન્ચ કરશે, જેથી ભાડાના મકાનો, ઝૂંપડપટ્ટી અથવા ચાલમાં રહેતા લોકોને પોતાનું ઘર બનાવવાની સગવડ મળે. ગેરકાયદે કોલોનીઓમાં રહેતા લોકો પણ પોતાનું મકાન બનાવી શકે તેવી સ્કીમ લાગુ કરવામાં આવશે. નાણાપ્રધાને જણાવ્યું હતું કે અમારી સરકાર એવી યોજનાઓ લાગુ કરશે, જેનાથી આર્થિક ગ્રોથને ઉત્તેજન મળે. આગામી પાંચ વર્ષમાં ભારતે અગાઉ જોયો ન હોય તેવો ગ્રોથ જોવા મળશે.

સરકાર રૂફટોપ સોલરને પ્રોત્સાહન આપશે, જેનાથી એક કરોડ પરિવારને દર મહિને 300 યુનિટ વીજળી ફ્રીમાં મળશે જેનાથી દર વર્ષે 15 હજારથી 18 હજાર રૂપિયાની બચત થશે. નિર્મલા સીતારમણે વચગાળાના બજેટની દરખાસ્તો દરમિયાન જણાવ્યું હતું કે વિકાસના ફળ હવે જનતા સુધી પહોંચવા લાગ્યા છે. દેશને હવે નવી દિશા મળી છે અને જનતાએ તેમને આશીર્વાદ આપ્યા છે. દેશનું અર્થતંત્ર યોગ્ય દિશામાં આગળ વધતું હોવાનો તેમણે દાવો કર્યો હતો. તેમણે લગભગ 20થી 25 મિનિટ સુધી કેન્દ્રની યોજનાઓની યાદી જ આપી હતી.

LEAVE A REPLY

four × two =