ભારતના ઇન્કમટેક્સ વિભાગે જણાવ્યું હતું કે, જે વિદેશવાસી ભારતીયો (NRI) અને વિદેશી નાગરિકોનો પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) આધાર નંબર સાથે જોડાયેલું (લિન્ક) નહીં હોવાથી નિષ્ક્રિય થઇ ગયું છે, તેને ફરીથી કાર્યરત કરવા માટે સંબંધિત એસેસમેન્ટ ઓફિસર સમક્ષ રહેઠાણનો પૂરાવો રજૂ કરવો પડશે.

વિભાગના જણાવ્યા મુજબ, કેટલાક NRI અને OCI કાર્ડધારકોએ પોતાના PAN નિષ્ક્રિય થઇ ગયા હોવાની ચિંતા વ્યક્ત કરી હતી. આ અંગે વિભાગે ટ્વીટર પર જણાવ્યું હતું કે, NRI છેલ્લા ત્રણ એસેસમેન્ટ વર્ષના કોઇપણ વર્ષમાં ઇન્કમટેક્સ રીટર્ન ભર્યા હશે અથવા સંબંધિત એસેસમેન્ટ ઓફિસરને પોતાના રહેઠાણની સ્થિતિ અંગે સૂચના આપી હશે તો તેમના સંદર્ભમાં રહેઠાણની સ્થિતિને લિન્ક કરવામાં આવી છે. જે વિદેશવાસી ભારતીયોએ પોતાના રહેઠાણના પૂરાવા નહીં આપ્યા હોય અથવા છેલ્લા ત્રણ એસેસમેન્ટ વર્ષમાં રીટર્ન નહીં ભર્યા હોય તેમના PAN નિષ્ક્રિય થઇ ગયા છે.

વિભાગે ટ્વીટર પર વધુમાં જણાવ્યું છે કે, જે NRIના PAN નિષ્ક્રિય થઇ ગયા છે, તેમને વિનંતી છે કે, પર્મેનન્ટ એકાઉન્ટ નંબર સાથે જોડાયેલી માહિતીમાં પોતાના રહેઠાણની સ્થિતિને અપડેટ કરાવવાની સાથે સંબંધિત ડોક્યુમેન્ટસ એસેસમેન્ટ ઓફિસર સમક્ષ જમા કરાવે. આ ઉપરાંત કોઇનું PAN નિષ્ક્રિય હોવા છતાં તે વ્યક્તિ ઇન્કમ ટેક્સ રીટર્ન ફાઇલ કરી શકશે. જે કિસ્સામાં PAN નિષ્ક્રિય હશે તો, તેમને ટેક્સનું બાકી રીફંડ અને વ્યાજ ચૂકવાશે નહીં તેમ જ TDS અને TCS ઉંચા દરે વસૂલવામાં આવશે.

ઇન્કમટેક્સના કાયદા મુજબ રહેવાસીઓએ તેમના PANનું બાયોમેટ્રિક આધાર કાર્ડ સાથે લિન્ક કરાવવું જરૂરી છે, જોકે, બિન-રહેવાસીઓ માટે આધાર કાર્ડ મેળવવું જરૂરી નથી. PANને આધાર સાથે લિન્ક કરવાની છેલ્લી તારીખ 30 જુન, 2023 હતી. 1 જુલાઇ 2023થી જે PAN આધાર સાથે લિન્ક નહોતા થયા તે નિષ્ક્રિય થઇ ગયા છે. જે લોકોને આ બંને લિન્ક કરવા હશે તેમને દંડ ભરવો પડશે.

LEAVE A REPLY

twenty − 11 =