કોવિડ-19 મહામારીના કારણે ભારતમાં પરત ફરી રહેલા આપણા કૌશલ્યપૂર્ણ લોકો પાસેથી શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરવાના આશય સાથે ભારત સરકારે SWADES (સ્કિલ્ડ વર્કર્સ અરાઇવલ ડેટાબેઝ ફોર એમ્પલોયમેન્ટ સપોર્ટ) નામની પહેલ શરૂ કરી છે જેમાં વંદે ભારત મિશન અંતર્ગત ભારતમાં પરત ફરી રહેલા લોકોના કૌશલ્ય મેપિંગની કવાયત હાથ ધરવામાં આવશે. આ કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય તેમજ નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને વિદેશ મંત્રાલયની સંયુક્ત પહેલ છે જેનો ઉદ્દેશ્ય ક્વૉલિફાઇડ લોકોને તેમના કૌશલ્ય અને અનુભવના આધારે ડેટાબેઝ તૈયાર કરવાનો છે જેથી ભારતીય અને વિદેશી કંપનીઓની માંગ પૂર્ણ કરવા માટેની શક્યતાઓ ચકાસી શકાય. આ પહેલનો હેતુ પરત આવી રહેલા લોકોને સંબંધિત રોજગારીની તકો સાથે સશક્ત બનાવવાનો છે. રાજ્ય સરકારો અને ઔદ્યોગિત તેમજ કર્મચારી સંગઠનો સહિત મુખ્ય હિતધારકો સાથે એકત્રિત કરેલી માહિતી શેર કરવા અને તેમની સાથે ચર્ચા કરવાની યોજના છે.