યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે વિવિધ ભેદભાવ દાખવવામાં આવી રહ્યો હોવાની ઘટનાઓ બહાર આવી છે. ખાસ, તો જ્યારે તેઓ યુક્રેનની સરહદ પાર કરીને નજીકના અન્ય દેશમાં જવા ઇચ્છે છે ત્યારે તે બાબતે યુક્રેનના સ્થાનિકોને પ્રાથમિકતા આપવામાં આવે છે અને વિદેશીઓને લાંબા સમય સુધી રાહ જોવડાવવામાં આવે છે તેવા આક્ષેપો બોર્ડર ગાર્ડઝ પર થઇ રહ્યા છે. અન્ય બિન-યુક્રેનિયન શરણાર્થીઓની જેમ, કુર્દિશ વ્યક્તિઓએ જણાવ્યું હતું કે, સરહદ પરના ગાર્ડઝે કથિત રીતે યુક્રેનના નાગરિકોની તરફેણ કરી હતી. છેલ્લા થોડા દિવસોમાં યુક્રેનથી પોલેન્ડમાં ભાગીને આવેલા અંદાજે ચાર લાખ જેટલા લોકોમાંથી ઘણાએ પોલેન્ડના લોકો અને સરકારના પ્રયાસોને ઉદારતાથી બિરદાવ્યા હતા. પરંતુ, આફ્રિકન, એશિયન અને મધ્ય પૂર્વીય દેશોના લોકોને પ્રવેશ નકારવામાં આવ્યો હોવાના રીપોર્ટ્સ વારંવાર વધી રહ્યા છે. આફ્રિકન યુનિયનએ ચેતવણી આપી હતી કે આવો કોઈપણ ભેદભાવ ‘આઘાતજનક રીતે વંશવાદી’ હશે. સેનેગલના પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે, પોલેન્ડ અને તેના પડોશીઓને અન્યની તરફેણ કરીને આફ્રિકનોને આશ્રય મેળવતા અટકાવવાથી ‘ઇન્ટરનેશનલ કાયદાનો ભંગ’ થશે. આ અંગે નાઈજીરીયાએ યુક્રેન સરકારને તપાસ કરવા જણાવ્યું છે. યુદ્ધમાંથી ભાગી રહેલા છ બિન-યુરોપિયનોએ મીડિયાને જણાવ્યું કે, તેમને તેમની રાષ્ટ્રીયતાના કારણે રોકવામાં આવ્યા હતા. કેટલાકે જણાવ્યું હતું કે યુક્રેનના નાગરિકો માટે સરહદ પર જુદી લાઇન હતી, અને વિદેશીઓને વારંવાર વધુ સમય સુધી રાહ જોવડાવવામાં આવે છે, અથવા તેમને સરહદ પાર કરવાની મંજૂરી આપવામાં આવતી નથી.
નાઇજીરીયાના એન્જિનિયરિંગના 24 વર્ષીય વિદ્યાર્થી ઇમાન્યુઅલે કાર ભાડે લેવા અને પોલિશ બોર્ડર સુધી જવા માટે એક હજાર ડોલર ચૂકવ્યા હતા. ‘તેણે કહ્યું કે, યુક્રેનના લોકો સારા છે, તેઓ રંગભેદી નથી. સમસ્યા યુક્રેનની સરહદ પર હતી. તેમણે આફ્રિકનોને અંદર જવાની મંજૂરી આપી નહોતી.’
ખારકિવ યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કરી રહેલા સરીમને અગાઉથી જ તેના વતન યમનમાં એક યુદ્ધમાંથી ભાગી જવું પડ્યું હતું અને ફરીથી લડાઈ કરીને તેને પોતાના દત્તક લીધેલા ઘરમાંથી બહાર કાઢ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, ‘અમે જ્યારે સરહદ પર પહોંચ્યા હતા, ત્યાં અમે સાત કલાક રાહ જોઈ હતી. અને યુક્રેનના લોકો પ્રથમ અંદર જતા હતા.’