યુક્રેનમાં વિનાશક માનવતાવાદી સંકટ ઊભું થતાં, સેંકડો હજારો લોકો નજીકમાં આવેલા દેશોમાં આશ્રય મેળવવા ત્યાંથી ભાગી રહ્યા છે. જેમાં મોટાભાગના હજ્જારો ભારતીય વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, જેઓ બંને દેશના સંઘર્ષની વચ્ચે ફસાયા છે.
આ અંગે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર, 27 ફેબ્રુઆરીએ મધ્યરાત્રે પ. પૂ. બ્રહ્મવિહારીદાસ સ્વામીને વ્યક્તિગત ફોન કરીને યુક્રેન સાથેની પોલેન્ડની, રોમાનિયાની અને હંગેરીની સરહદો પર ભારતીય નાગરિકોના સલામત સ્થળે પહોંચાડવા માટે BAPS સ્વામિનારાયણ સંસ્થા પાસેથી મદદ માગી હતી.
આપત્તિજનક સ્થિતિમાં રાહત કાર્યોમાં વર્ષોનો અનુભવ ધરાવતા બ્રહ્મવિહારીદાસ સ્વામી દુબઈથી વિડિયો કોન્ફરન્સ દ્વારા દિલ્હીમાં ઇમરજન્સી બેઠકમાં જોડાયા હતા. શરણાર્થીઓની દુર્દશા પર દુઃખ વ્યક્ત કર્યા પછી, બ્રહ્મવિહારીદાસ સ્વામીએ વડા પ્રધાનને ફરીથી ખાતરી આપી કે, તેઓ અગાઉથી મદદ કરી જ રહ્યા છીએ અને ‘અમને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા સમગ્ર યુરોપમાંથી BAPS સ્વયંસેવકોને મોકલવા માટે પહેલેથી જ સૂચના આપવામાં આવી છે.’
યુકે, આયર્લેન્ડ, ફ્રાન્સ, સ્વિત્ઝર્લેન્ડ, ઇટાલી, જર્મની, ઓસ્ટ્રિયા અને પોલેન્ડના સ્વયંસેવકો જ્યાં જરૂર છે ત્યાં સંકટના સ્થળે રાહત કાર્યોમાં ઝડપથી જોડાઇ ગયા છે. જેમાં સાઉથ-ઇસ્ટ પોલિશ શહેર ઝેસઝોવમાં મોબાઇલ ફિલ્ડ કિચન શરૂ કરવાનો પણ સમાવેશ થાય છે, આ કિચનમાંથી તમામ ધર્મો અને દરેક દેશના અંદાજે એક હજાર શરણાર્થીઓને ગરમ શાકાહારી ભોજન આપવાનું શરૂ કર્યું છે. BAPS દ્વારા રહેઠાણની સુવિધાઓ અને મેડિકલ મદદનું પણ સંકલન કરવામાં આવી રહ્યું છે, અને પરિસ્થિતિની ગંભીરતતા જોઇને ભારત સરકાર તેમજ સ્થાનિક ભાગીદારો સાથે મળીને માનવતાવાદી કાર્યો કરે છે.
ભારત સરકારના પ્રધાન જનરલ વિજય કુમાર સિંહ ઝેસઝોવમાં માં સ્વયંસેવકોના અથાક પ્રયત્નોનું નિરીક્ષણ કરીને જણાવ્યું હતું કે, ‘BAPS સમૂદાય સેવાકાર્યોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે, જેઓ પ્રથમ આવે છે અને સૌથી છેલ્લે બહાર નીકળે છે. ભારતના લોકો તમારા ઝડપી, નિઃસ્વાર્થ અને આયોજિત કાર્યો માટે ઋણી છે.’
લંડનના અગ્રણી BAPS સ્વયંસેવક કેયુર ભટ્ટે જણાવ્યું હતું કે, ‘યુક્રેનની સ્થિતિ દુ:ખદ છે. અમારી પ્રાથમિકતા તેમને ભોજન અને આશ્રય આપવાની છે. જરૂરિયાતમંદોને આવશ્યક સેવાઓ સલામત અને સમયસર પહોંચાડવા માટે અમે ટ્રાન્સપોર્ટ નેટવર્ક અને લોજિસ્ટિકલ એજન્સીઓ સાથે ગાઢ રીતે સંકળાયેલા છે.