પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ફોર્ડ ઇન્ડિયાએ તેના સાણંદ પ્લાન્ટમાં ગુરુવારથી મોટરકારનું ઉત્પાદન જ બંધ કરી દેવાની જાહેરાત કરી હતી. ગુજરાતમાં અને ભારતમાં તેની કારના મોડેલ્સનું વેચાણ અપેક્ષા પ્રમાણે ન થતું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફોર્ડ ઇન્ડિયાના સાણંદ એકમના 2200થી 2500 જેટલા કર્મચારીઓ બેરોજગાર થઈ જશે. આ અગાઉ હાલોલમાંથી જનરલ મોટર્સે તેનું એકમ સંકેલી લીધું હતું. આ સાથે જ મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરવાના અને ગુજરાતને ઓટો મોબાઈલનું હબ બનાવવાના ગુજરાત સરકારના પ્રયાસને વધુ એક ફટકો પડયો છે. ગુજરાતમાં 22 જેટલા ડીલર્સ તેમનો ધંધો ગુમાવશે.

ગુજરાતમાં મહિને અંદાજે 1500થી 1600 ગાડીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. તેમનો પ્લાન્ટ માંડ વીસ ટકા ક્ષમતાએ ચાલતો હતો. સાણંદ ખાતેનો પ્લાન્ટ વૈશ્વિક સ્ટાન્ડર્ડને પહોંચી વળે તેવો બનાવવામાં આવ્યો હતો. તેથી મોટી મૂડીનું રોકાણ કરવામાં આવ્યું હતું.

ફોર્ડ મોટર્સના સાણંદ યુનિટને બંધ કરી દેવાના નિર્ણયને પરિણામે રોજગારી ગુમાવનારા અંદાજે 2200થી 2500 કામદારો અને કર્મચારીઓને વળતર આપવા માટેના મુદ્દે કર્મચારી યુનિયનના હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણાં કરીને સમાધાન કરવામાં આવશે. તમામને સંતોષ થાય તેવું સમાધાન કરવાનું આયોજન કરવામાં આવશે. ફોર્ડ મોટર્સના મેનેજમેન્ટ સાણંદનો પ્લાન્ટ બંધ કરી દેવાનો નિર્ણય લેતા તેમને મોટના જુદાં જુદા પૂરજાઓ સપ્લાય કરનારાઓના ધંધા પર પણ અસર પડી છે. જોકે ફોર્ડ મોટર્સના મેનેજમેન્ટનુ કહેવું છે કે તેઓ સાણંદ ખાતે તેમને મોટરના જુદાં જુદાં પૂરજાઓ સપ્લાય કરનારાઓ પાસેથી તેમના અમેરિકા સ્થિત એકમો માટે પણ પૂરજાઓ ખરીદવાનું ચાલુ રાખશે.