ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચના પાંચમાં દિવસે ઇશાંત શર્માએ જોહની બેરસ્ટોની વિકેટ લીધી હતી. Action Images via Reuters/Paul Childs

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડમાં રમાનારી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચને રદ કરવામાં આવી છે, એવી ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે શુક્રવારે જાહેરાત કરી હતી. બીસીસીઆઇએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે આ મેચ પછીની તારીખ રમાડવા માટે ઇસીબી સાથે મંત્રણા કરી રહી છે. મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીને કોરોના થયો હતો. જોકે, ટીમના તમામ ખેલાડીનો ટેસ્ટ નેગેટિવ આવતા મેચ રમાય તેવી શક્યતા હતી. પરંતુ ઈંગ્લેન્ડ આ મેચને મોકૂફ રાખવાનો મત ધરાવતું હતું.

બીસીસીઆઈએ ખેલાડીઓ સાથે મેચ મોકુફ રાખવી કે કેમ તે મુદ્દે મસલત કરી હતી. જેમાં ટેસ્ટને રદ કરવાને બદલે મોડી રમવામાં આવે તેવું સૂચન થયું હતું. જેથી BCCI ટેસ્ટ મોડી શરુ કરવા પર સહમત થયું હતું. ઉલ્લેખનીય છે કે, જો આ ટેસ્ટ મેચ 24 કલાક મોડી ઠેલાય તો પણ તેની સીધી અસર યુએઈમાં શરુ થનારી IPL પર પડી શકે છે. ફ્રેન્ચાઈઝી છેલ્લા ત્રણ સપ્તાહથી યુએઈમાં છે. પાંચમી ટેસ્ટ રમીને ખેલાડીઓ જેવા દુબઈ પહોંચે કે તરત જ તેઓ બાયો બબલમાં રહી શકે તેની તમામ તૈયારી પણ કરી દેવાઈ છે.

આ બાબતો સાથે સંકળાયેલા લોકોનું પણ કહેવું છે કે ખેલાડીઓના આરોગ્યની સલામતી સાથે કોઈ ચેડા ના થઈ શકે. વળી, આ ટ્રીપમાં તેઓ પોતાના પરિવાર સાથે આવ્યા છે. તેવામાં જો ટેસ્ટ પોસ્ટપોન ના થઈ શકતી હોય તો તેને કેન્સલ કરી દેવી જોઈએ. એટલું જ નહીં, કોરોનાના સંસર્ગમાં આવ્યા બાદ તેની અસર બે દિવસથી એક મહિના પછીના ગાળામાં દેખાતી હોવાને કારણે પણ ખેલાડીઓને ચિંતા સતાવી રહી હતી.