ભારતીય ટેનિસ ખેલાડી રોહન બોપન્ના (ANI Photo)
ટેનિસની મુખ્ય સ્પર્ધાઓ – ગ્રાંડ સ્લેમ તરીકે ઓળખાતી ચાર સ્પર્ધાઓ પૈકીની એક, વિમ્બલ્ડનનો આરંભ સોમવાર (1 જુલાઈ) થી શરૂ થઈ ચૂકી છે અને આ વર્ષે પણ તેમાં ભારતીય સ્પર્ધકોમાં કોઈ મહિલા ખેલાડી રમવાની નથી, ચાર ભારતીય પુરૂષ ખેલાડીઓ – રોહન બોપન્ના, સુમિત નાગલ, એન. શ્રીરામ બાલાજી અને યુકી ભામ્બ્રી સ્પર્ધામાં છે, એ પણ બધા ફક્ત પુરૂષોની ડબલ્સની સ્પર્ધામાં છે.
એમાં રોહન બોપન્ના સૌથી વધુ સિનિયર છે અને ફ્રેન્ચ ઓપનમાં મિક્સ્ડ ડબલ્સ તથા ઓસ્ટ્રેલિયન ઓપનમાં પુરૂષોની ડબલ્સમાં ચેમ્પિયન રહી ચૂક્યો છે, તો એ સિવાય યુએસ ઓપનમાં પુરૂષોની ડબલ્સ તથા ઓસ્ટ્રેલિયન ઓપનમાં મિક્સ્ડ ડબલ્સમાં બે વખત રનર્સ-અપ રહ્યો છે, પણ વિમ્બલ્ડનમાં હજી સુધી તે ફાઈનલ સુધી પહોંચી શક્યો નથી, તેનો શ્રેષ્ઠ દેખાવ સેમિફાઈનલ્સમાં પહોંચવાનો રહ્યો છે. તેના સિવાય, ફક્ત યુકી ભામ્બ્રી જુનિયર્સમાં ઓસ્ટ્રેલિયન ઓપન સિંગલ્સમાં 2009માં ચેમ્પિયન બન્યો હતો અને તે વખતે આવી સિદ્ધિ મેળવનારો યુકી સૌપ્રથમ ભારતીય ટેનિસ ખેલાડી હતો.
રોહન આ વખતે પણ તેના ઓસ્ટ્રેલિયન સાથી મેથ્યુ એબ્ડેન સાથે ડબલ્સમાં રમશે, તો સુમિત નાગલ સર્બીઆના દુસાન લેજોવિક સાથે, યુકી ભામ્બ્રી ફ્રાન્સના અલ્બાનો ઓલિવેટ્ટી સાથે અને એન. શ્રીરામ બાલાજી ઈંગ્લેન્ડના લ્યુક જોહનસન સાથે ડબલ્સના મુકાબલામાં મેદાનમાં હશે.બીજી તરફ, ઓલ ઈન્ડિયા લોન ટેનિસ એસોસિએશને થોડા દિવસ પહેલા કરેલી ઘોષણા મુજબ રોહન બોપન્ના અને શ્રીરામ બાલાજી પેરિસ ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય થયા હતા.

LEAVE A REPLY