ટોકિયો પેરાલિમ્પિક્સમાં સોમવાર, 30 ઓગસ્ટ 2021ના રોજ ભાલા ફેંકમાં સિલ્વર મેડલ વિજેતા દેવેન્દ્ર ઝાઝરિયા (જમણી બાજુ) અને બ્રોન્ઝ મેડલ વિજેતા સુંદર સિંહ ગુર્જર (ડાબી બાજુ) અને ગોલ્ડ મેડલ વિજેતા શ્રીલંકાના દિનેશ પ્રિયાન્થા . (PTI Photo)

શુટર અવનિ લખેરાએ સોમવારે શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ ભારત પર મેડલોનો વરસાદ થયો હતો અને ખેલાડીઓએ ભારતને એક ગોલ્ડ સહિત ચાર મેડલ અપાવ્યા હતા. આની સાથે ભારત અત્યાર સુધીમાં સાત મેડલ જીતી ચુકયુ છે. જે અત્યાર સુધીના સૌથી વધુ છે.

સોમવારે પુરષોના ડિસ્કસ થ્રો ઈવેન્ટમાં નવી દિલ્હીના 24 વર્ષીય યોગેશ કઠુનિયાએ ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે ભાલા ફેંકમાં 40 વર્ષીય દેવેન્દ્ર ઝાઝરિયાએ સિલ્વર મેડલ અપાવ્યો હતો અ્ને સુંદર સિંહ ગુર્જરે આ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. દેવેન્દ્ર ઝાઝરિયાએ અગાઉ 2004 અને 2016 ઇવેન્ટમાં બે વખત ગોલ્ડ મેડલ જીત્યા હતા, પરંતુ આ વખતે સિલ્વર મળ્યો હતો. ઝાઝરિયાએ આઠ વર્ષની ઉંમરે વીજળીનો કરંટ લાગતા ડાબો હાથ ગુમાવ્યો હતો. જયપુરના 25 વર્ષીય સુંદર સિંહે ગુર્જરે 2015માં એક અકસ્માતમાં ડાબો હાથ ગુમાવ્યો હતો. ગુર્જરે 2017 અને 2019ની વર્લ્ડ પેરા એથ્લિટિક્સ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.