ફ્રાન્સમાં 24 એપ્રિલે ઇમેન્યુઅલ મેક્રોન સતત બીજી વખત પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. એફિલ ટાવર નજીક ફ્રાન્સની ચૂંટણીના બીજા રાઉન્ડના રિઝલ્ટ જાહેર થયા બાદ મેક્રોનના સમર્થકોએ ફ્રાન્સ અને યુરોપિયન યુનિનનો ધ્વજ લઈને ઉમટી પડ્યા હતા. REUTERS/Benoit Tessier

ઇમેન્યુઅલ મેક્રોન ફરી વાર ફ્રાન્સના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા છે. તેમણે નેશનલ રેલી પાર્ટીના દક્ષિણપંથી ઉમેદવાર મરિન લે પેનને હરાવ્યા છે. છેલ્લાં તબક્કાના મતદાનમાં મેક્રોનને 58.55% અને લે-પેનને 41.45% મત મળ્યા છે, એમ ગૃહમંત્રાલયના આંકડા ડેટામાં સોમવારે જણાવાયું હતું. કોરોનામાં સારી રીતે મેનેજમેન્ટ કરવા માટે લોકોએ તેમને ફરી પસંદ કર્યા છે.

મેક્રોનના વિજય બાદ તેમના સમર્થકોએ પેરિસના એફિલ ટાવર પાસે વિજયની ઉજવણી કરી હતી. ચૈંપ ડે માર્સ પાર્કમાં લગાવવામાં આવેલી એક વિશાળ સ્ક્રીન પર અંતિમ રિઝલ્ટ જાહેર થયું તે સાથે જ તેમના સમર્થકોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યાર બાદ ફ્રાન્સ અને યુરોપીય યુનિયનના ઝંડા લહેરાવીને ઉજવણી કરી હતી.

મેક્રોન 20 વર્ષોમાં ફરી ચૂંટાનારા ફ્રાન્સના પ્રથમ પ્રેસિડન્ટ છે. જોકે આ વખતની જીતમાં તેમની જીતની સરસાઈમાં થોડો ઘટાડો થયો છે. 2017માં મેક્રોનને 66.1 ટકા મત મળ્યા હતા, જ્યારે લી પેનને 33.9% મત મળ્યા હતા. ચૂંટણીમાં વિજય પછી મેક્રોનને દુનિયાભરમાંથી શુભેચ્છાઓ મળી રહી છે. બ્રિટિશ વડાપ્રધાન પ્રધાન બોરિસ જોન્સને ટ્વીટ કર્યું છે કે ફ્રાંસીસ પ્રેસિડન્ટ તરીકે ફરી ચૂંટાઈ આવવા બદલ તમને શુભેચ્છા. મને આશા છે કે, આપણા દેશો માટે મહત્વના મુદ્દાઓ પર આપણે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.

જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે મેક્રોન સાથે તસવીર શેર કરીને લખ્યું છે કે, મને ખુશી છે કે, આપણે સહયોગ સાથે કામ કરવાનું ચાલુ રાખીશું. જ્યારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોએ કહ્યું છે કે, કેનેડા અને ફ્રાન્સ માટે જરૂરી મુદ્દાઓ પણ આપણે સાથે કામ કરીશું તેવી આશા છે.

ફ્રાન્સ સાથે ભારતના સંબંધો ખૂબ જુના અને સારા છે. ફ્રાન્સની અત્યાર સુધીની કોઈ સરકાર ક્વારેય ભારત વિરોધી નથી રહીં. મેક્રોન તેમની રેલીમાં જણાવી ચૂક્યા છે કે, ભારત તેમના એજન્ડામાં હંમેશા ફર્સ્ટ પ્રાયોરિટીમાં રહેશે. ફ્રાન્સે હંમેશા UNમાં ભારતના કાયમી સભ્યપદને ટેકો જાહેર કર્યો છે.