(Photo by FRANCOIS LO PRESTI/AFP via Getty Images)

ફ્રાન્સના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ નિકોલસ સરકોઝી 2012ની ચૂંટણીમાં ગેરકાયદેસરના ફંડિંગ મેળવવા બદલ દોષિત પુરવાર થયા છે. ફ્રાન્સની કોર્ટે ગુરુવારે આ કેસમાં તેમને એક વર્ષના હાઉસ એરેસ્ટની સજા કરી હતી. અગાઉ ભ્રષ્ટાચારના કેસોમાં જેલની સજા મળ્યાના સાત મહિનામાં સરકોઝીને આ બીજો ફટકો પડ્યો છે.

કોર્ટે 66 વર્ષીય સરકોઝીને ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ બ્રેસલેટ પહેરીને ઘર પર સજા કાપવાની છૂટ આપી છે. 2007થી 2012 સુધી ફ્રાન્સના પ્રેસિડન્ટ રહેલા સરકોઝીએ કશું પણ ખોટું કર્યાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. તે આ ચુકાદા સામે અપીલ કરી શકે છે.

ચુકાદો આપવામાં આવ્યો તે દરમિયાન સરકોઝી પેરિસની કોર્ટમાં હાજર ન હતા. સરકોઝીએ પ્રેસિડન્ટ માટેની બીજી ટર્મની ચૂંટણીમાં મહત્તમ અધિકૃત રકમ 26 મિલિયન ડોલર કરતાં બમણી રકમ ખર્ચી હતી. તે સોશ્યલિસ્ટ ઉમેદવાર ફ્રાન્કોઇસ ઓલાન્દે સામે હારી ગયા હતા. કોર્ટે જણાવ્યું હતું કે સરકોઝી જાણતા હતા કે તેમનો ખર્ચ અધિકૃત રકમ મર્યાદાની નજીક પહોંચી રહ્યો છે, પરંતુ વધારાના ખર્ચાને પહોંચી વળવામાં તે નિષ્ફળ રહ્યા. આ ઉપરાંત તેમ પણ કહેવાયું છે કે તેમણે તેને ચેતવણી આપતા તેમના એકાઉન્ટન્ટની વાત સાંભળી ન હતી.

સરકોજીએ મે-જુનમાં કેસ વખતે કશું પણ ખોટું કર્યુ હોવાની બાબતને નકારી કાઢી હતી. 66 વર્ષીય સરકોઝી પહેલી માર્ચના રોજ ભ્રષ્ટાચારના એક કેસમાં દોષિત સાબિત થયા હતા. તેના પછી હવે તે ગેરકાયદેસરના ફંડિંગના મામલામાં દોષિત જાહેર થયા છે. તેમને આ કેસમાં એક વર્ષની જેલ અને બે વર્ષના સસ્પેન્શનની જાહેરાત કરાઈ છે, પરંતુ તેમની અપીલ હજી પડતર છે. પ્રતિવાદીઓએ જણાવ્યું હતું કે સરકોઝી પોતાના અભિયાનના નાણાકીય પોષણ માટે જવાબદાર એકમાત્ર વ્યક્તિ છે. તેમણે કેટલીય રેલીઓનું આયોજન કરી નિયત રકમની મર્યાદા વટાવી દીધી હતી.