અમેરિકામાં કોરાનાકાળમાં અનેક લોકોએ વિવિધ પ્રકારની સરકારી આર્થિક મદદની ઉચાપત કરી છે. ફ્લોરિડામાં પણ આવું જ એક કૌભાંડ બહાર આવ્યું છે.
સાઉથ ફ્લોરિડાના હોલીવૂડના 55 વર્ષીય જેમ્સ સ્ટોટ અને કોરલ સ્પ્રિંગના રહેવાસી 52 વર્ષીય ફિલિપ ઓગસ્ટીને સાથે મળીને 35 મિલિયન ડોલરની કોવિડ-19ની સરકારી સહાય મેળવવા માટે સરકાર નકલી દસ્તાવેજો બનાવ્યા હતા. જોકે, તેમનું આ કૌભાંડ પકડાઇ જતાં ઓહાયોની ફેડરલ કોર્ટે તાજેતરમાં તે બંનેને દોષિત ઠેરવ્યા હતા. તેમને આ ગુના બદલ 20 વર્ષની જેલની સજા થઇ શકે છે. કોરોનાકાળમાં ફ્લોરિડાના અનેક નાના-મોટા બિઝનેસમેન પોતાનો બિઝનેસ સરકારી સહાય ઉપર નિર્ભર હતા. જ્યારે આ બંનેએ બનાવટી યોજના બનાવીને સરકારી નાણા મેળવ્યા હતા અને પછી તેનો વૈભવી ખર્ચ કરવામાં ઉપયોગ કર્યો હતો. આ અંગે ઓહાયોની નોર્ધન ડિસ્ટ્રિક્ટના ફર્સ્ટ આસિસ્ટન્ટ એટર્ની મિશેલ બેપ્લરે જણાવ્યું હતું કે, આ નાણાં દેશના કરદાતાઓના હતા. આ બંને દોષિતોએ સાથે મળીને એવું એક ગ્રૂપ બનાવ્યું હતું જેની મદદથી તેમણે કોરોના વાઇરસ એઇડ, રિલિફ એન્ડ ઇકોનોમિક સિક્યુરિટિ એક્ટ હેઠળ સ્મોલ બિઝનેસ એડમિનસ્ટ્રેશન દ્વારા ખાતરી થયેલી પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ(પીપીપી) લોન લીધી હતી.
કોર્ટમાં રજૂ થયેલા ડોક્યુમેન્ટસમાં જણાવ્યા મુજબ આ બંને કૌભાંડીઓએ ક્લિયર વિઝન મ્યુઝિક ગ્રૂપ એલએલસી માટે નકલી દસ્તાવેજો આધારે આ લોન લીધી હતી. તેમણે આ ડોક્યુમેન્ટ્સની મદદથી 79 જેટલા કર્મચારીઓને લોનની જરૂર છે એમ દર્શાવ્યું હતું અને તે તમામ માટે પીપીપી લોન લેવાની સરકારને અરજી કરી હતી.