સીરિયાથી લઇને ઇરાક સુધી હુમલા કરી રહેલા વૈશ્વિક આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)માં ભારતીય મૂળના ઘણા આતંકીઓ સક્રીય હોવાનું બહાર આવ્યું છે. અમેરિકાના એક રીપોર્ટમાં દાવો કરાયો છે કે આઇએસમાં ભારતીય મૂળના 66થી વધુ આતંકવાદીઓ સક્રીય છે.
અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા તાજેતરમાં આતંકવાદ પર જાહેર કરાયેલા રીપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ સાથે જ રીપોર્ટમાં ભારતની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) સહિતની એજન્સીઓની આતંકવાદ વિરોધી કામગીરીની પ્રશંસા પણ કરવામાં આવી છે.
અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંન્કને કહ્યું છે કે ભારત યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલના પ્રસ્તાવને એરપોર્ટ પર સામાનની ફરજિયાત ડયુઅલ સ્ક્રીન એક્સ રે દ્વારા તપાસ વધુ મજબૂત કરવામાં અમેરિકા સાથે સમજૂતી કરી રહ્યું છે.
આ પ્રસ્તાવ વિવિધ દેશોની સરકારોને નાગરિકોની એરપોર્ટ પર સુરક્ષા વધારવા અનુરોધ કરે છે. આ રીપોર્ટમાં દાવો કરાયો છે કે નવેમ્બર સુધીમાં ઇસ્લામિક સ્ટેટ સાથે ભારતીય મૂળના 66 આતંકીઓ જોડાયેલા હોવાની માહિતી મળી છે. ગત વર્ષે આમાંથી વિદેશ ગયેલ કોઇપણ આતંકી ભારત પરત ગયો નથી.
આ ઉપરાંત એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકા ભારતની સાથે આતંકવાદ સહિતના સુરક્ષાના મુદ્દે ભાગીદારી વધારવાનું જાળવી રાખશે.
રીપોર્ટ અનુસાર ભારતીય એજન્સી એએનઆઇની આતંકવાદ વિરોધી કામગીરી આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષા મજબૂત કરવામાં ઘણી મદદરૂપ સાબિત થઇ રહી છે. એનઆઇએ દ્વારા આઇએસ સાથે જોડાયેલા 34 કેસની તપાસ થઇ છે અને 160 લોકોની ધરપકડ કરી છે. જેમાં સપ્ટેમ્બર મહિનામાં કેરળ અને પશ્ચિમ બંગાળમાંથી અલકાયદા સાથે સંકળાયેલા 10 લોકોની પણ ધરપકડ થઇ છે.