અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ઉત્તરાયણથી શરૂ થયેલા રાષ્ટ્રવ્યાપી ભંડોળ એકત્રીકરણ કાર્યક્રમમાં ભારતવાસીઓ તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. સમગ્ર દેશમાંમાંથી ફક્ત 27 દિવસમાં દેશભરમાંથી રામ મંદિર નિર્માણ માટે રૂ. 1511 કરોડનું ભંડોળ એકત્ર થયું છે, આ માહિતી શ્રી રામ જન્મભૂમિ તીર્ક્ષક્ષેત્રના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવગિરિએ આપી હતી.
તેમણે જણાવ્યું કે, 11 ફેબ્રુઆરી સુધીમાં ઉપલબ્ધ થયેલા આંકડાઓ પ્રમાણે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે રૂ. 1,511 કરોડ એકત્ર થયા છે. ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે દેશભરમાંથી તમામ વર્ગના લોકો સમર્પણ નિધિમાં પોતાનો સહયોગ આપી રહ્યા છે.
નાના બાળકો પણ પોતાની બચતમાંથી મંદિર માટે નાણા અર્પણ કરી રહ્યા છે. સમગ્ર દેશમાં 1 લાખ 50 હજાર જેટલા જૂથો રામ મંદિર માટે ભંડોળ એકત્ર કરે છે અને સમગ્ર દેશમાંથી તમામ ધર્મ, જાતિ, સંપ્રદાયના લોકો મંદિર માટે દાન આપી રહ્યા છે. દેશના તમામ વર્ગના લોકો પોતાના સામર્થ્ય અનુસાર મંદિર માટે પોતાનો ફાળો આપી રહ્યા છે
દેશમાં 35,000 જેટલા કાર્યકરો બેંકમાં સમર્પણ દાન જમા કરાવી રહ્યા છે. રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી રૂ. 10, 100 અને 1000ની 13 કરોડથી વધુ કૂપન છાપવામાં આવી છે અને ઘણા રાજ્યમાં આ કૂપન પૂર્ણ થવા આવી છે.
આગામી 27 ફેબ્રુઆરી બાદ પછી ભંડોળ એકત્ર કરવાની ઝુંબેશ પૂર્ણ થશે અને પછી કોઈ કાર્યકર આ કામ માટે કૂપન લઈને લોકોના ઘરે-ઘરે નહીં જાય. ત્યારબાદ જે પણ વ્યક્તિ સહયોગ કરવા ઈચ્છે તેણે ટ્રસ્ટ કાર્યાલય કે રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ભારતીય સ્ટેટ બેંક, બેંક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેંકના જે એકાઉન્ટ નંબર જાહેર કરવામાં આવ્યા છે તેમાં રકમ નોંધાવવાની રહેશે.