ભારતમાં ગત વર્ષે 1 જાન્યુઆરી 2020થી 31 ડિસેમ્બર 2020 સુધીમાં 965 ભૂકંપના આંચકા નોંધાયા હતા. એટલે કે સરેરાશ દરરોજ ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ માહિતી ભારત સરકારના સાયન્સ, ટેક્નોલોજી અને પૃથ્વી વિજ્ઞાન બાબતોના પ્રધાન ડો. હર્ષવર્ધને તાજેતરમાં લોકસભામાં આપી હતી.
નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી દ્વારા સંબંધિત મંત્રાલયને આપવામાં આવેલા આંકડા મુજબ ગત વર્ષે દેશમાં કુલ 965 ભૂકંપના આંચકા અનુભવાયા જેમાંથી 13 દિલ્હી-NCRમાં અનુભવાયા.
આ તમામ આંચકાઓની તીવ્રતા 3 કે તેથી વધુ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ગત વર્ષે 6.0 તીવ્રતાના બે આંચકા અનુભવાયા જ્યારે 25 વખત 5.0 થી 6.0 તીવ્રતાની વચ્ચેના ભૂકંપના આંચકા આવ્યા હતા. 4 થી 5ની તીવ્રતા વચ્ચે 355 આંચકા, 3 થી 4ની તીવ્રતા વચ્ચે 388 આંચકા, અને 2 થી 3ની તીવ્રતાના 108 આંચકા દેશમાં અનુભવાયા. 22 જુલાઇએ સૌથી તીવ્ર આંચકો અનુભવાયો હતો, જે ચીનના શિજાંગ વિસ્તારમાં નોંધાયો હતો, તેની તીવ્રતા 6.4ની હતી.
આ અંગે વિશ્વભરના ભૂગર્ભશાસ્ત્રીઓ અને ભૂકંપની બાબતોના નિષ્ણાતોનું માનવું છે કે આ સમયે ધરતીની ટેક્ટોનિક પ્લેટો સરકી રહી છે. જેના કારણે આ આંચકાઓ અનુભવાઈ રહ્યાં છે. ભારતના મોટા વિસ્તારમાં આ આંચકા અનુભવાયા. લોકો ડર્યાં અને કેટલાંક સ્થળોએ નાનું-મોટું નુકસાન પણ જોવા મળ્યું છે, જોકે કોઈ જાનહાની થઈ નહોતી.
ઘણીવાર બે ટેક્ટોનિક પ્લેટો વચ્ચે બનેલો ગેસ કે પ્રેશર જ્યારે રિલિઝ થાય છે ત્યારે પણ ભૂકંપના આંચકા અનુભવાય છે. આ સ્થિતિ ઉનાળામાં વધારે જોવા મળે છે. ભારતીય ટેક્ટોનિક પ્લેટ હિમાલયન ટેક્ટોનિક પ્લેટની તરફ સરકી રહી છે. તેના કારણે ઉનાળામાં વધારે આંચકા અનુભવાયા.