અમેરિકામાં વસતા મોટાભાગના ભારતીયોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરી અને નીતિઓને મંજૂરી આપી છે, તો બીજી તરફ નવી પેઢીએ તેમની ટિકા પણ કરી છે. 9 ફેબ્રુઆરીએ જાહેર થયેલા ઇન્ડિયન અમેરિકન એટિટ્યૂડ્સ સર્વેમાં આ બાબતો સામે આવી છે.
આ સર્વેમાં અંદાજે 30 વર્ષથી વધુ વયના અડધાથી વધુ ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે, તેમણે આ લોકપ્રિય નેતાને સ્વીકાર્યા છે. પરંતુ 18-29 વર્ષીય વયના 43 ટકા લોકોએ જણાવ્યું હતું કે, તેઓ મોદીને પસંદ કરતા નથી. એક લાખ ડોલરથી વધુની આવક ધરાવતા લોકોમાંથી 37 ટકા લોકોએ પણ વડાપ્રધાન પ્રત્યે અણગમો દર્શાવ્યો છે.
મોદીએ અપ્રત્યક્ષ રીતે ઇન્ડિયન અમેરિકન પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રયાસ કર્યો છે, અને ઇન્ડિયન અમેરિકન બિઝનેસ સમૂદાયને પોતાના દેશમાં રોકાણ કરવા માટે પ્રેરિત કર્યા છે.
અમેરિકામાં જન્મેલા નાગરિકો, ડેમોક્રેટ્સ અને બિન-હિન્દુઓ પણ મોદીની ઓછી તરફદારી કરે છે. 62 ટકા મુસ્લિમોએ જણાવ્યું હતું કે, તેમણે મોદીની કામગીરી અને નીતિગત પ્રાથમિકતાને સ્વીકારી નથી. આ ઉપરાંત સર્વેમાં જણાવ્યા પ્રમાણે અમેરિકામાં રહેતા બીજી પેઢીના ભારતીયો ગાઢ રીતે પોતાના દેશ સાથે જોડાણ અનુભવે છે. તેની સાબિતીરૂપે ઇન્ડિયન અમેરિકન્સ ભારતના રાજકારણમાં રસ ધરાવે છે. તેમનામાંથી ઓછામાં ઓછા 66 ટકા લોકો મહિનામાં એકવાર તો ભારતીય ભોજન જમે છે.
વર્ષ 2014માં સત્તા મેળવ્યા પછી નરેન્દ્ર મોદીએ વિશ્વભરમાં વસેલા ભારતીયો સુધી પહોંચવાનું અને તેમની સાથે ચર્ચા કરવાનું શરૂ કર્યું હતું. ભારતીય વિદેશ નીતિની આ ખાસ પહેલની સૌથી વધુ અસર અમેરિકામાં જોવા મળી હતી. જોકે, અમેરિકામાં ભારતીયોની સંખ્યા 40 લાખથી વધુ અને અમેરિકામાં બીજા નંબરની સૌથી મોટી વિદેશી વસતી છે.
વર્ષ 2014 અને 2019માં થયેલી બે મોટી સભાઓ પછી એ પ્રશ્ન પણ ઊભા થયા હતા કે, અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકોનું તેમના વતન પ્રત્યેનું શું નિરીક્ષણ છે? તેઓ ભારતના વિકાસ સાથે કેટલું જોડાણ અનુભવે છે? પોતાના વતનના રાજકારણ અને તેમાં થઇ રહેલા પરિવર્તન પ્રત્યે તેમનું વલણ કેવું છે? અને તે અમેરિકા-ભારત વચ્ચે કેવા પ્રકારનો સહયોગ ઇચ્છે છે?
તમામ મીડિયા રીપોર્ટસ અને પ્રચાર-પ્રસાર થયો હોવા છતાં આ પ્રશ્નો અંગે સાચી માહિતીના અભાવના કારણે આ સર્વેક્ષણની જરૂરી હોવાનું સમજાયું હતું. કારનેગી એન્ડોવમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસ, જોન હોપકિન્સ-SAIS અને પેન્સિલવેનિયા યુનિવર્સિટી તેમ જ સંશોધન અને વિશ્લેષણ કંપની- યુગોવના સહયોગથી સપ્ટેમ્બર 2020માં ઇન્ડિયન અમેરિકન એટિટ્યૂડ સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં પુખ્ત વયના 1200 ઇન્ડિયન અમેરિકન્સને ઓનલાઇન પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
સર્વેમાં જાણવા મળ્યા પ્રમાણે મોટાભાગના ભારતીયો પોતાના દેશ સાથે ગાઢ રીતે જોડાયેલા છે. જોકે, એ બાબત જુદી છે કે, તેમની ઉંડી લાગણી વિવિધ પ્રદેશોમાં અલગ-અલગ છે. દર બેમાંથી એક ઇન્ડિયન અમેરિકન પોતાને વતન સાથે વ્યક્તિગત રીતે જોડાયેલો માને છે. ઇન્ડિયન અમેરિકન્સમાં ભાજપ સૌથી લોકપ્રિય રાજકીય પાર્ટી છે.
લગભગ 33 ટકા લોકોએ ભાજપનું સમર્થન કર્યું છે, જ્યારે કોંગ્રેસની તરફેણમાં ફક્ત 12 ટકા લોકો જ છે. પરંતુ દર પાંચમાંથી બે વ્યક્તિઓએ કોઇપણ રાજકીય પક્ષને સમર્થન આપ્યું નથી, એટલે કે તેમને ભારતના રાજકારણમાં રસ નથી. મોટાભાગના લોકોએ નરેન્દ્ર મોદીની તરફેણમાં છે, અડધા વધુ લોકોએ વડાપ્રધાન તરીકે તેમની કામગીરીને બિરદાવી છે. ભારતીય રાજકારણ અને તેમાં થઇ રહેલા પરિવર્તન અંગે પણ તેમના વિચારોમાં મોટો તફાવત છે. બહુમતી ઇન્ડિયન અમેરિકન્સ મોદી સરકારના સમર્થનમાં છે, જ્યારે નાનું પણ મહત્ત્વનું એક જૂથ તેમની વિરુદ્ધમાં છે. ભારતના સમાચારો માટે તેઓ વધારે ઓનલાઇન સોર્સ પર વિશ્વાસ રાખે છે. અંદાજે 54 ટકા લોકોએ જણાવ્યું કે તેઓ ઓનલાઇન સમાચાર જોવે છે.
આમ તો યૂટ્યૂબ, ફેસબુક, વોટ્સએપ વગેરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેઓ વધુ સક્રિય રહે છે, પરંતુ પરંપરાગત સમાચાર સોર્સીઝની સરખામણીએ, તેઓ તેને વિશ્વસનીય માનતા નથી. વિદેશ નીતિના મામલે મોટાભાગના ઇન્ડિયન અમેરિકન્સ બંને દેશો વચ્ચે સારા સંબંધો ઇચ્છે છે. સામાન્ય રીતે ચીન પ્રત્યે તમામનું વલણ નકારાત્મક છે, પરંતુ ચીનને પાઠ ભણાવવાની પદ્ધતિઓ અંગે ઘણા મતભેદ છે. મોટાભાગના રીપબ્લિકન અમેરિકા દ્વારા ભારતને સેન્ય મદદની તરફેણ કરી હતી.