પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

જી-20ના દેશોના નાણાપ્રધાનની બેઠકમાં રશિયાના અધિકારીઓ બોલવાનું ચાલુ કર્યું ત્યારે અમેરિકાના નાણાપ્રધાન જેનેટ યેલેન અને પશ્ચિમ દેશોના નાણાપ્રધાનોએ તેનો બહિષ્કાર કર્યો હતો. યુક્રેન પર રશિયાના હુમલાને કારણે અમેરિકાની આગેવાની હેઠળ પશ્ચિમી દેશોએ આ રીતે વિરોધ દર્શાવ્યો હતો. જોકે ભારત, ચીન, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા અને સાઉદી અરેબિયા સહિતના ઓછામાં ઓછા બીજા દસ દેશોનાના નાણાપ્રધાનોએ બોયકોટ કર્યો ન હતો.

કેનેડાના નાણાપ્રધાન ક્રિસ્ટ્રીય ફ્રીલેન્ડે સોશિયલ મીડિયામાં એક ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં દેખાય છે કે બ્રિટનના નાણાપ્રધાન ઋષિ સુનક સહિતના દસ ફાઇનાન્સ અધિકારીઓએ બેઠકમાંથી વોકઆઉટ કર્યો હતો. ફ્રીલેન્ડે જણાવ્યું હતું કે રશિયાના આક્રમણ અને યુદ્ધગુના ચાલુ હોય ત્યારે વિશ્વના લોકશાહી દેશો નિષ્ક્રીય રહી શકે નહીં. ઋષિ સુનકે પણ ટ્વીટ કર્યું હતું કે અમે યુક્રેન સામે રશિયાનાા યુદ્ધની નિંદા કરવામાં એકજૂથ છીએ અને રશિયાને શિક્ષા કરવા માટે મજબૂત આંતરરાષ્ટ્રીય સંકલન માટે પ્રયાસ કરીશું.

આ ફાઇનાન્સ સેશનના વડા ઇન્ડોનેશિયાના નાણાપ્રધાન મુલ્યાની ઇન્દ્રવતી હતા. ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અને બીજા નાણાપ્રધાનો રશિયા નાણાપ્રધાન એન્ટોવ સુલ્યુનોવના સમગ્ર વર્ચ્યુઅલ પ્રેન્ઝન્ટેશન દરમિયાન ઉપસ્થિત રહ્યાં હતા. તેનાથી નવેમ્બરમાં બાલી ખાતે જી-20 દેશોની શિખર બેઠક પહેલા તીવ્ર મતભેદો બહાર આવ્યા છે.

જી-20ની આ સમીટમાં પ્રમુખસ્થાને ઇન્ડોનેશિયા છે. આ ગ્રૂપમાંથી રશિયાની હકાલપટ્ટી કરવાની માગણી વચ્ચે ઇન્ડોનેશિયાની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી છે. ભારતની જેમ ઇન્ડોનેશિયાએ પણ રશિયા સાથે વેપાર ચાલુ રાખ્યો છે. ઇન્ડોનેશિયાએ જણાવ્યું છે કે સમીટના યજમાન તરીકે તમામ સભ્યો આમંત્રિત કરવાની તેની ફરજ છે અને પ્રેસિડન્ટ પુતિનનું પણ આ બેઠકમાં સ્વાગત છે.