ભારતમાં સાત રાજકીય પક્ષોના ટ્રસ્ટને 2020-21માં કોર્પોરેટ અને વ્યક્તિગત ફંડ તરીકે કુલ રૂ. 258 કરોડ પ્રાપ્ત થયા છે. જે ભંડોળમાંથી 82 ટકા હિસ્સો મેળવીને ભાજપ તમામ રાજકીય પક્ષોમાં મોખરે છે. ઇલેક્શન વોચડોગ-એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મસે આ માહિતી જાહેર કરી છે. આ ચૂંટણી ટ્રસ્ટ નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન તરીકે કામ કરે છે અને દેશમાં રાજકીય પાર્ટીઓને મળતા ડોનેશનમાં પારદર્શિતા લાવવા માટે ચૂંટણી ટ્રસ્ટનો કન્સેપ્ટ લાવવામાં આવ્યા છે.
2020-21માં 23 ચૂંટણી ટ્રસ્ટ પૈકી 16 ટ્રસ્ટે દાનની માહિતી આપી છે. જેમાં સાત ટ્રસ્ટે દાનમાં મળેલી રકમની માહિતી છે. જ્યારે અન્ય નવ ટ્રસ્ટે જણાવ્યું હતું કે, તેમને કોઈપણ પ્રકારનું દાન મળ્યું નથી.
આ સમયગાળામાં ભાજપને સૌથી વધુ રૂ. 212 કરોડ અને જનતા દળ (યુનાઇટેડ)-જેડીયુને રૂ. 27 કરોડ દાન પેટે મળ્યા છે. કોંગ્રેસ, એનસીપી, આરજેડી સહિતના 10 પક્ષોને માત્ર રૂ. 19 કરોડ મળ્યા છે. આ દસ પક્ષોમાં AIDMK, DMK, AAP, LJP, CPM, CPIનો પણ સમાવેશ થાય છે.