(Photo by STRDEL/AFP via Getty Images)

સન્ની દેઓલ અને અમિષા પટેલ અભિનિત બહુચર્ચિત ફિલ્મ ‘ગદર: એક પ્રેમ કથા’ની સિક્વલ બનાવવાનું આયોજન થઇ રહ્યું છે. આ ફિલ્મમાં સન્ની દેઓલની લાંબા સમય પછી એક્શને ચાહકોમાં ચર્ચા જગાવી હતી. આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ સુપરડુપર હિટ ગઇ હતી. હવે તેના બે દાયકા પછી દિગ્દર્શક અનિલ શર્મા આ સમકાલિન ફિલ્મને ફરીથી રૂપેરી પડદે મઢવા તૈયારી કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ‘શર્માની ટીમના સભ્યોએ ફિલ્મના પ્લોટના પોઇન્ટ્સ નક્કી કર્યા છે અને તેઓ હવે સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે. સની અને અમીષા પટેલ પણ તેમાં જોવા મળે તેવી સંભાવના છે. મૂળ ફિલ્મમાં સની અને અમિષાના પુત્રની ભૂમિકા ભજવનાર દિગ્દર્શકનો પુત્ર ઉત્કર્ષ નવી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે. ઉત્કર્ષે ‘જીનિયસ’ની સાથે 2018માં બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ અંગે ફિલ્મકાર અનિલ શર્માએ જણાવ્યું હતું કે, ‘આ પ્રોજેક્ટ માટે ચર્ચા ચાલી રહી છે, પરંતુ હું યોગ્ય સમયે તેની જાહેરાત કરીશું. અત્યારે તો શરૂઆતના તબક્કાની વિચારણ થઇ રહી છે.’ શર્મા અત્યારે ‘અપને 2’ના પ્રી-પ્રોડક્શનમાં વ્યસ્ત છે અને તેનું જૂન મહિનાથી લંડનમાં શૂટિંગ શરૂ થવાનું છે.