Gandhi and some parts of RSS removed from history books
(istockphoto.com)

ભારતના અને વિશ્વના ઇતિહાસમાં મહત્ત્વની ગણાતી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સાથે જોડાયેલી ઘણી ઐતિહાસિક વસ્તુઓની બ્રિટનમાં હરાજી થશે. આ વસ્તુઓમાં ગાંધીજીના હાથવણાટના કપડાં, તેમના લાકડાના પગરખા અને ગાંધીજી જીવતા હતા તે સમયની સંભવત્ તેમની છેલ્લી તસવીરનો સમાવેશ થાય છે.

આ ઐતિહાસિક વારસાની આશરે રૂ.4.74 કરોડ (પાંચ લાખ પાઉન્ડ)માં હરાજી થવાની ધારણા છે. ગાંધીજી સાથે જોડાયેલા આ કલેક્શનમાં આશરે 70 વસ્તુઓનો સમાવેશ થાય છે. તેમાંથી સૌથી વધુ મહત્ત્વની ગાંધીજીના હાથે વણવામાં આવેલા કપડા, જેલમાંથી લખેલા પત્રો અને બે પગરખાનો સમાવેશ થાય છે.

મિરરના અહેવાલ મુજબ ગાંધીજી સાથે જોડાયેલી આશરે 70 ચીજવસ્તુઓના આશરે 5 લાખ પાઉન્ડ ઉપજવાની ઇસ્ટ બ્રિસ્ટલ ઓક્શનને ધારણા છે. અગાઉ આ ઓક્શન હાઉસે ગાંધીજીના ચશ્માની રૂ.2.46 કરોડમાં હરાજી કરી હતી. હરાજી કરનાર એન્ડ્રુ સ્ટોવે જણાવ્યું હતું કે આ હરાજીમાં અત્યાર સુધીની સૌથી વધુ મહત્ત્વની વસ્તુઓનો સમાવેશ થાય છે. વિશ્વના ઇતિહાસમાં આ કલેક્શન ઘણુ જ મહત્ત્વનું છે. તેનાથી લોકો અચંબિત થઈ જશે. આ કલેક્શનમાં ગાંધીજીના ફોટોગ્રાફનો સમાવેશ થાય છે, જે તેમના મૃત્યું પહેલાનો છેલ્લો હોવાનું માનવામાં આવે છે.

ગાંધીજી ખાદીમાંથી પોતાના કપડા બનાવતા હતા. એન્ડ્રુએ જણાવ્યું હતું કે ગાંધીજીએ આ કપડા માત્ર પહેર્યા જ ન હતા, પરંતુ તેને જાતે બનાવ્યા હતા. તેઓ ખાદીને ભારતના આઝાદીના સંગ્રામનું મહત્ત્વનું પ્રતિક માનતા હતા. તે માત્ર કપડા કરતાં વિશેષ મહત્ત્વ ધરાવતા હતા. તે ભારતની આઝાદીની ચળવળની રાજકીય વિચારસરણી હતી. ગાંધીજીના કલેક્શનની સૌથી વધુ મહત્ત્વની વસ્તુ પૂણેની જેલમાંથી તેમને લખેલા પત્રો છે. તેમાંથી એક પત્રમાં ગાંધીજીએ બ્રિટિશ રાજને ઝેરી હવા ગણાવી છે. આ પત્રના આશરે 10,000 પાઉન્ડ ઉપજવાની ધારણા છે.