નવી દિલ્હીમાં 23 એપ્રિલે નિગમબોધ ઘાટ સ્મશાનગૃહમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. (PTI Photo)

મેડિકલ ઓક્સિજનની ગંભીર કટોકટી વચ્ચે ભારતની રાજધાની દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં 24 કલાકમાં 25 કોરોના દર્દીના મોત થયા હતા અને બીજા 60 દર્દીની જીવન સામે જોખમ છે, એમ શુક્રવારે અધિકારીઓએ જણાવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે લો પ્રેશર ઓક્સિજન આ મોતનું કારણ હોઇ શકે છે. કેન્દ્ર સરકારના સૂત્રે જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન છે અને હોસ્પિટલમાં ટેન્કર પહોંચી ગઈ છે, જેનાથી સ્ટોરેજ કેપિસિટી ભરી શકાશે.

સેન્ટ્રલ દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં કોરોના વાઇરસના 500થી વધુ દર્દીઓની સારવાર ચાલે છે. આમાંથી 150 દર્દીઓ હાઇ ફ્લો ઓક્સિજન સપોર્ટ પર છે. હોસ્પિટલના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે વેન્ટિલેટર્સ અને BiPAP મશીન અસરકારક રીતે કામ કરતા નથી. બીજા 60 ગંભીર દર્દીઓના જીવન પર જોખમ છે. ગુરુવારની રાત્રે હોસ્પિટલના અધિકારીઓએ સરકારને એસઓએસ મોકલ્યો હતો અને જણાવ્યું હતું કે હોસ્પિટલમાં માત્ર પાંચ કલાકનો ઓક્સિજન છે.