લંડનમાં ઇન્ડિયા હાઉસ સ્થિત ભારતીય હાઇ કમિશન ખાતે બાબાસાહેબ ડૉ. ભીમરાવ રામજી આંબેડકરને 130મી જન્મજયંતિ નિમિત્તે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે ભારતીય હાઇ કમિશ્નર શ્રીમતી ગાયત્રી કુમાર ઇસ્સર તેમજ અન્ય અધિકારીઓ અને અગ્રણીઓએ  બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર કરી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

બાબાસાહેબ,  તરીકે જાણીતા ડૉ. બી. આર. આંબેડકર સાહેબનો જન્મ તા. 14 એપ્રિલ 1891ના રોજ મહુ (હાલના ડૉ. આંબેડકર નગર) ખાતે થયો હતો. પરિવારમાં તેઓ 14મા અને છેલ્લા સંતાન હતા. મુશ્કેલીઓ વચ્ચે થોડા સંસાધનો સાથે ઉછરેલા, ભીમરાવ મેટ્રિકની પરીક્ષા પાસ કરી બોમ્બે યુનિવર્સિટીમાં કોલેજમાં ભણવા માટે જોડાયેલા તેમની જાતિના પ્રથમ સભ્ય હતા. ઇકોનોમિક્સ અને પોલિટીકલ સાયન્સની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી તેઓ બરોડા સ્ટેટમાં નોકરીપર લાગ્ય હતા. ટૂંક સમયમાં બરોડા સ્ટેટના રાજવીએ તેમને યુએસએમાં અભ્યાસ માટે ત્રણ વર્ષની શિષ્યવૃત્તિ આપી હતી. જ્યાંથી તેમણે જૂન 1915માં અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, તત્વજ્ઞાન અને માનવશાસ્ત્રમાં એમએ પાસ કર્યું હતું. ત્યારબાદ બાબાસાહેબે એન્સીયન્ટ ઇન્ડિયન કોમર્સ પર એક થિસિસ રજૂ કર્યો હતો. કોલમ્બિયા યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાંથી તેમણે અર્થશાસ્ત્રમાં ડોક્ટરની બે પદવી મેળવી હતી. વિદેશમાં અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ ભારતીય હતા.

ડૉ. આંબેડકરએ તેમની શરૂઆતની કારકીર્દિ અર્થશાસ્ત્રી, પ્રોફેસર અને વકીલ તરીકે કરી હતી અને બોમ્બેની સરકારી લૉ કૉલેજમાં આચાર્ય તરીકે નિમણૂક કરાઇ હતી.

ડો.આંબેડકરે ભારત પરત થઇ ભારતીય રાજકારણ અને સમાજ સુધારણામાં સક્રિય થઇ સામાજિક અને આર્થિક રીતે વંચિતને શિક્ષિત થવા, આંદોલન કરવા અને સંગઠિત થવા હાકલ કરી સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું હતું. તેમણે અર્થશાસ્ત્ર, સમાજ અને રાજકારણ પર વિદ્વાન પુસ્તકો પણ લખ્યા છે.

1936માં, ડૉ. આંબેડકરએ સ્વતંત્ર લેબર પાર્ટીની સ્થાપના કરી બોમ્બે સેન્ટ્રલ વિધાનસભા માટે 1937માં ચૂંટણી લડી હતી. આઝાદી પછી, તેમને ભારતના પ્રથમ લૉ મિનીસ્ટર બનવા આમંત્રણ અપાયું હતું. ભારતના નવા બંધારણને લખવા માટે રચાયેલી બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે પણ તેમની નિમણૂક કરવામાં આવી હતી.

ડૉ. આંબેડકરે 1951માં ભારતના નાણાં પંચની સ્થાપના કરી અને મહેસૂલ, નાણાં અને જમીન સુધારણામાં મહત્વપૂર્ણ નીતિઓ બનાવવામાં ફાળો આપ્યો. તેમણે ઓડિટર જનરલને ન્યાયતંત્રથી પણ વધારે સ્વતંત્રતા હોવી જોઈએ. રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ માટે પણ તેમનાવિચારો ક્રાતિકરી હતા. ડૉ. આંબેડકરને મરણોત્તર ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી 1990માં નવાજવામાં આવ્યા હતા. દર વર્ષે, તેમની જન્મજયંતિ પ્રસંગે ભારતમાં જાહેર રજા ઘોશીત કરાઇ છે અને લોકો તેમનો જન્મદિવસ આંબેડકર જયંતી અથવા ભીમ જયંતિ તરીકે ઉજવે છે. મહારાષ્ટ્ર સરકારે પણ ડૉ. આંબેડકર એક વિદ્યાર્થી તરીકે રહેતા હતા તે 10 કિંગ હેનરી રોડ, લંડનનું મકાન ખરીદ્યુ છે. જેનું  નવેમ્બર 2015માં વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા એક સંગ્રહાલય તરીકે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.