અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી (ફાઇલ ફોટો (Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ છોડી એશિયાની સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેઓ ગ્રુપ માર્કેટ કેપના આધારે મુકેશ અંબાણીને પાછળ છોડતાં સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે, એમ બુધવારે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં જણાવાયું હતું.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી જૂન 2015થી સૌથી અમીર ભારતીયના પદ પર હતા. બુધવારે શેરબજારમાં અદાણી ગ્રુપના શેર્સમાં શાનદાર તેજી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડાને પગલે ગૌતમ અદાણી એશિયાના નંબર વન અમીર બની ગયા છે. અરામ્કોને સાથેનો 15 બિલિયન ડોલરનો સોદો રદ થયા પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ભારે ધોવાણ થયું હતું અને તેનાથી તેમના શેરહોલ્ડિંગના વેલ્યુએશનમાં ઘટાડો થયો હતો.

બ્લૂમબર્ગ બિલિયનેયર્સ ઈન્ડેક્સ મુજબ, મંગળવાર (23 નવેમ્બર) સુધી મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 9100 કરોડ ડોલર હતી, જ્યારે અદાણીની કુલ સંપત્તિ 8880 કરોડ ડોલર હતી, જે અંબાણી કરતા 2.4 ટકા ઓછી હતી. જોકે, બુધવારે રિલાયન્સના શેર્સમાં 1.72 ટકાનો ઘટાડો આવ્યો, જ્યારે અદાણી ગ્રુપની મોટાભાગની કંપનીઓના શેરમાં તેજી આવી, જેથી ગૌતમ અદાણી ટોચ પર પહોંચી ગયા હતા.

બુધવારે અદાણી એન્ટરપ્રાઈઝીસના શેરમાં 2.34 ટકા, અદાણી પોર્ટસ અને સ્પેશયલ ઈકોનોમિક ઝોનના શેર્સમાં 4 ટકાની તેજી આવી. આ વધારા સાથે આ બંને કંપનીઓનું માર્કેટ કેપ લગભગ 3.5 લાખ કરોડ રૂપિયા થયું હતું, રિપોર્ટ મુજબ, છેલ્લાં 20 મહિનામાં ગૌતમ અદાણીની કુલ સંપત્તિમાં 1808 ટકા એટલે કે 8389 કરોડ યુએસ ડોલરથી વધુનો વધારો થયો છે. આ ગાળામાં મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં 250 ટકા એટલે કે 54.7 અબજ ડોલરનો વધારો થયો હતો.