અમેરિકાના બહુચર્ચિત જ્યોર્જ ફ્લોઇડ મૃત્યુ કેસમાં કોર્ટે દોષિત પોલીસ ઓફિસરને 22 વર્ષ અને 6 માસની જેલ સજા ફટકારી છે. ગત વર્ષે 25 મેના રોજ આ ઘટના બની હતી. આ ચુકાદા બાદ પોલીસ ઓફિસર ડેરેક શોવિનના જામીન રદ થયા હતા અને તેની ધરપકડ થઇ હતી. ફ્લોઇડની હત્યાનો કેસ જ્યુરી પાસે મોકલવામાં આવ્યો હતો.
સુનાવણી દરમિયાન ફ્લોઇડના વકીલે જ્યુરીને જણાવ્યું હતું કે ડેરેક શોવિને જે રીતે જ્યોર્જ ફ્લોઇડની હત્યા કરી હતી એ બાબતે એક બાળક પણ જણાવી શકે છે કે પોલીસની રીત ખોટી હતી. જોકે ડેરેકના વકીલે દલીલ કરી હતી કે તેણે યોગ્ય કાર્યવાહી કરી હતું અને 46 વર્ષીય ફ્લોઇડના મૃત્યુનું કારણ હૃદયરોગ અને નશીલી દવાઓ હતી. ચૂકાદા દરમિયાન મિનેપોલિસમાં કોર્ટની બહાર ફ્લોઇડનો પરિવાર પણ પહોંચ્યો હતો.
ગત વર્ષે મિનેપોલિસમાં એક વિરોધ પ્રદર્શન દરમિયાન ફ્લોઇડને પોલીસ અધિકારી ડેરેક શોવિને રસ્તા પરથી પકડ્યો હતો અને પોતાના ઘૂંટણની તેનું ગળું 8 મિનિટ 46 સેકન્ડ સુધી દબાવી રાખ્યું હતું. ફ્લોઇડના હાથમાં હાથકડી હતી. આવી સ્થિતિમાં તેણે પોલીસ અધિકારીને પગ હટાવવા સતત વિનંતી કરી રહી હતી, પણ તેને માન્ય રાખી નહોતી. ડેરેકને સજા જાહેર થયા પછી મિનેપોલિસમાં ફ્લોઇડના સમર્થનમાં લોકોએ રેલી કાઢી હતી.
જ્યોર્જ ફલોઇડના મૃત્યુ પછી અમેરિકામાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં. લાખો લોકો રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કર્યા હતા. ડેરેક શોવિનને એપ્રિલ 2021માં આ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો.