વિશ્વમાં કોરોના વાઇરસના રોગચાળાના પરિણામે ખૂબ જ મોટી સંખ્યામાં લોકોના મોત થઇ રહ્યા છે. કોરોનાના કેરને કારણે કેટલાય દેશોના અથતંત્ર થંભી ગયા છે ત્યારે ચિંતાતુર બનેલા જર્મનીના હેસ્સી રાજ્યના નાણાં પ્રધાન થોમસ શેફેરે આપઘાત કરતાં લોકો સ્તબ્ધ થઇ ગયા છે.

54 વર્ષના થોમસ શેફેરનો મૃતદેહ ગત શનિવારે રેલ્વે ટ્રેક પરથી મળી આવ્યો હતો. સ્થાનિક તંત્રએ એવી આશંકા વ્યક્ત કરી હતી કે પ્રધાને આપઘાત કર્યો છે. હેસ્સીના મુખ્ય પ્રધાન વોલ્કર બૌફિઅરે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ‘અમને આઘાત લાગ્યો છે. વિશ્વાસ નથી થતો અને આપણે ખૂબ જ દુઃખી છીએ.

જર્મનીની આર્થિક રાજધાની ફ્રેન્કફર્ટ છે અને ત્યાં ડ્યુશ બેન્ક અને કોમર્ઝ બેંકનું મુખ્ય મથક છે. યુરોપિયન સેન્ટ્રલ બેંક પણ ફ્રેન્કફર્ટમાં જ છે. રાજ્યના નાણાં પ્રધાનના મૃત્યુના સમાચારથી ખૂબ જ વ્યથિત થયેલા બોફિઅરે જણાવ્યું હતું કે, રોગચાળાની સ્થિતિમાં શેફેર કંપનીઓ અને કામદારોને આર્થિક સંકટમાંથી બહાર નીકળવામાં મદદ માટે સતત કાર્યરત હતા.

જર્મની ચાન્સેલર એન્જેલા મર્કેલના નજીકના સહયોગી બોફિઅરે કહ્યું, આજે આપણે સ્વીકારવું પડશે કે તે ખૂબ જ ચિંતામાં રહેતા હતાં. ખાસ તો મુશ્કેલીના આ સમયમાં અમને તેના જેવા વ્યક્તિની જરૂર હતી. શેફેરનાં પરિવારમાં એક પત્ની અને બે બાળકો છે.