(Photo by Shane Anthony Sinclair/Getty Images)

વડોદરામાં ભણી ચૂકેલી દિલ્હીની લેખિકા ગીતાંજલિ શ્રીની હિન્દી નવલકથા ‘રેત સમાધિ’ (ટોમ્બ ઓફ સેન્ડ)ને આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝ મળ્યું છે. ‘રેત સમાધિ’ ભારતની કોઈ પણ ભાષામાં આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝ મેળવનારી પ્રથમ નવલકથા બની ગઈ છે.ડેઝી રોકવેલે આ નવલકથાનો ‘Tomb Of Sand’ નામથી અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે.
આ હિન્દી ભાષાની એવી પ્રથમ નવલકથા છે જેને 50,000 પાઉન્ડના પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કારની યાદી માટે પસંદ કરવામાં વિશ્વભરના 13 પુસ્તકોમાં ‘રેત સમાધિ’નો સમાવેશ કરવામાં આવ્યો હતો. ગીતાંજલિ શ્રીએ પોતાને મળેલા 50,000 પાઉન્ડના પુરસ્કારને પુસ્તકના અંગ્રેજી અનુવાદક ડેઝી રોકવેલ સાથે વહેંચ્યું છે. આ અંગેની ટ્વિટમાં બુકર પ્રાઈઝે લખ્યું હતું કે, ‘ગીતાંજલિ શ્રી અને @shreedaisyને અભિનંદન’. બંગાળી લેખક અરૂણવ સિન્હાએ ટ્વિટમાં લખ્યું હતું કે, ‘યસ! અનુવાદક ડેઝી રોકવેલ અને લેખક ગીતાંજલિ શ્રીએ ‘રેત સમાધિ’ માટે આંતરરાષ્ટ્રીય બુકર જીત્યો. એક હિન્દી નવલકથા, એક ભારતીય નવલકથા, એક દક્ષિણ એશિયાઈ નવલકથા માટે આ પહેલી જીત… અભિનંદન!’

ગીતાંજલિ શ્રીએ અનેક લઘુ કથાઓ અને નવલકથાઓ લખ્યા છે. તેમની વર્ષ 2000ની નવલકથા ‘માઈ’ને વર્ષ 2001માં ક્રોસવર્ડ બુક એવોર્ડ માટે પસંદ કરવામાં આવી હતી. આ નવલકથા એક 80 વર્ષની મહિલાના જીવન પર આધારીત છે. આ નવલકથામાં બધું જ છે, સ્ત્રી, સ્ત્રીઓનું મન, પુરૂષ, થર્ડ જેન્ડર, પ્રેમ, સંબંધો, સમય, અવિભાજિત ભારત, વિભાજન પછીની છબિ છે. મનોવિજ્ઞાન છે, જીવન છે, મૃત્યુ છે.