Getty Images)

ભારતમાં મની લોન્ડરીંગ કેસમાં નીરવ મોદીનાં પત્ની અમી મોદી વિરુદ્ધ ઇન્ટરનેશનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરાઈ છે. છેતરપિંડીના આરોપમાં ભારતના ભાગેડુ નીરવ મોદીનાં પત્ની પર ભારતમાં મની લોન્ડરિંગના કેસ નોંધાયેલા છે. ઇન્ટરપોલ દ્વારા નીરવ મોદી, તેમના ભાઇ નેહલ અને બહેન પૂર્વી વિરુદ્ધ નોટિસ આપવામાં આવી છે.

આ રેડ કોર્નર નોટિસ એક પ્રકારના ઇન્ટરનેશનલ એરેસ્ટ વોરંટનું કામ કરે છે, તેના પછી પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ થશે. ગત વર્ષે ફેબ્રુઆરીમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા પોતાની સપ્લિમેન્ટરી ચાર્જશીટમાં અમી મોદી પર ન્યૂ યોર્ક શહેરમાં ત્રણ કરોડની કિંમતના બે એપાર્ટમેન્ટની ખરીદીમાં લાભાર્થી હોવાનો આરોપ મુકાયો હતો. આ એપાર્ટમેન્ટ ગત વર્ષે ઓક્ટોબરમાં જપ્ત કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન નીરવ મોદીની 637 કરોડની વિદેશી મિલકતો જપ્ત કરાઈ હતી. તેમાં લંડનમાં 56.97 કરોડની કિંમતના એક ફ્લેટનો પણ સમાવેશ થાય છે. નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંક સાથે અંદાજે 2 બિલિયન ડોલરની છેતરપિંડી કરવાનો આરોપ છે. અત્યારે નીરવ મોદી બ્રિટનમાં છે અને તેના વિરુદ્ધ ભારતમાં પ્રત્યાર્પણ કરવા માટેના કેસની સુનાવણી થઇ રહી છે.

ગત વર્ષે માર્ચમાં નીરવ મોદીની ધરપકડ કરવામાં આવી હતી અને તે લંડનની જેલમાં છે. વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં નીરવ મોદીના પ્રત્યાર્પણ કેસની સુનાવણી ચાલી રહી છે. છેલ્લે સુનાવણી જુલાઇમાં થઇ હતી, જેમાં કોરોનાને કારણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેને રજૂ કરવામાં આવેલો. આ કેસમાં બીજા તબક્કાની સુનાવણી સપ્ટેમ્બરમાં શરૂ થશે.