કેન્દ્રીય મત્સ્યોદ્યોગ પ્રધાન પરષોત્તમ રૂપાલાએ મંગળવાર, 21 નવેમ્બરે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે બે દિવસની ‘ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઈન્ડિયા 2023’નું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદઘાટન સત્રમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ પ્રધાન ડૉ. એલ. મુરુગન અને ડૉ. સંજીવ કુમાર બાલ્યાન ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે લગભગ 10 દેશોના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ, ફિશરીઝ એસોસિએશનના પ્રતિનિધિઓ હાજરી આપી રહ્યાં છે. કોન્ફરન્સમાં સ્ટાર્ટઅપ્સ, નિકાસકારો, ફિશરીઝ એસોસિએશન અને પ્રોસેસિંગ ઉદ્યોગો સહિત 210 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શકો હશે. આ પ્રદર્શનમાં ઉત્પાદનો, ટેક્નોલોજી, સફળતાની વાર્તાઓ અને સેક્ટરમાં નવીન ઉકેલો દર્શાવવામાં આવશે.

ભૂપેન્દ્ર પટેલે ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઈન્ડિયા 2023 દરમિયાન ‘ઘોલ’ (બ્લેકસ્પોટેડ ક્રોકર) નામની માછલીને સ્ટેટ ફિશ જાહેર કરી હતી. ઘોલ માછલીનું વૈજ્ઞાનિક નામ ‘પ્રોટોનિબિયા ડાયકાન્થસ’ છે અને તે સામાન્ય રીતે કાળા ડાઘાવાળી ક્રોકર માછલી તરીકે ઓળખાય છે. તે દુર્લભ જીવ ગણાય છે. તે તેના ઔષધીય ગુણોને કારણે પૂર્વ એશિયામાં ખૂબ જ પ્રતિષ્ઠિત છે. આયોડિન, ઓમેગા-3, ડીએચએ, ઇપીએ, આયર્ન, ટૌરિન, મેગ્નેશિયમ, ફ્લોરાઇડ અને સેલેનિયમ જેવા પોષક તત્ત્વોના ભંડારથી ભરપૂર આ માછલીને પોષક પાવરહાઉસ ગણવામાં આવે છે.

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ પ્રધાન પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, સૌથી લાંબો દરિયાકિનારો અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રે સૌથી વધુ વિકાસની સંભાવનાઓ ધરાવતા ગુજરાત રાજ્યના આંગણે સૌ પ્રથમ વખત આ પ્રકારની ગ્લોબલ કોન્ફરન્સનું આયોજન થઈ રહ્યું છે. દેશમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે વિકાસને વેગવંતો બનાવવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ વખત અલગ મત્સ્યોદ્યોગ વિભાગ શરૂ કરાવેલો. આજે વિશ્વમાં ફિશ પ્રોડક્શનમાં આપણો દેશ ત્રીજા નંબરે છે.

કેન્દ્રીય પ્રધાને જણાવ્યું કે, આજે ગુજરાતે ઘોલ માછલીને પોતાની સ્ટેટ ફિશ જાહેર કરી છે. દેશભરમાં વિવિધ રાજ્યોએ નજીકના સમયમાં પોતાની સ્ટેટ ફિશ જાહેર કરી છે, જે સાબિત કરે છે કે આ સેક્ટરમાં દેશભરમાં રુચિ વધી છે. છેલ્લાં 9 વર્ષમાં દેશના ઈનલેન્ડ ફિશરીઝ સેક્ટરમાં ત્રણ ગણો વધારો થયો છે. માછીમારોને બોટ માટે પેટ્રોલ-ડીઝલ સબસીડી સહિત ગેસ સિલિન્ડર, કિસાન ક્રેડિટ કાર્ડ સહિત ટ્રાન્સપોન્ડર્સ વગેરે પૂરા પાડીને કેન્દ્ર અને રાજ્ય સરકાર મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સતત પ્રયાસરત છે

આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય 1600 કિલોમીટરનો દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે. ગુજરાત રાજ્ય દેશમાં મરીન ફિશ પ્રોડક્શનમાં સૌથી આગળ છે તથા ₹5000 કરોડથી વધુના મત્સ્ય ઉત્પાદનોની નિકાસ પણ ગુજરાત કરે છે. દેશના ફિશ એક્સપોર્ટમાં રાજ્યનું 17% જેટલું યોગદાન છે. આથી જ ગુજરાત આ ગ્લોબલ કોન્ફરન્સના આયોજન માટે શ્રેષ્ઠ સ્થળ છે.

 

LEAVE A REPLY

twenty − fourteen =